Mysamacher.in-જામનગર-દેવભમી દ્વારકાઃ
સ્વચ્છતા અંગે અનેક અભિયાનો ચાલી રહ્યાં છે. પણ આ અભિયાનો માત્ર ચૂંટણી પૂરતા અને કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે કેન્દ્રિય એજન્સી દ્વારા કરવામાં આવેલા એક સરવેમાં જામનગરવાસીઓને નીચું જોવું પડે તેવા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના શહેરોની જેમ જિલ્લામાં કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-2019માં જામનગર જિલ્લાનો રાજ્યમાં છેલ્લો અને દેશમાં 100માંથી 97મો નંબર આવ્યો છે. આ સરવે માટે એજન્સીની ટીમ જામનગર પણ આવી હતી અને જિલ્લાના ગામડાઓની મુલાકાતે અર્થે પણ પહોંચી હતી. તો હાલારનો બીજો જિલ્લો દ્વારકા રાજ્યમાં ચોથા ક્રમાંકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી IPSOS રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડની 3 ટીમ દ્વારા ઓગષ્ટ મહિનામાં જામનગર જિલ્લાના 25થી વધુ ગામડાઓમાં એક અઠવાડિયા સુધી સરવેની કામગીરી કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા ગામના જાહેર સ્થળો જેવા કે પંચાયત, શાળા, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ હાટ બજારની મુલાકાત લેવામાં આવી હતી. તો મોબાઇલ દ્વારા પણ લોકોના પ્રતિભાવ જાણવામાં આવ્યા હતા. સરવે બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં જામનગર જિલ્લો 100માંથી 80.14 ગુણ સાથે દેશના 100 જિલ્લાના ક્રમાંકમાં 97માં નંબર પર છે, તો સેવા કક્ષાએ પ્રગતિમાં જામનગર જિલ્લાને 35માંથી સૌથી ઓછા 25 ગુણ મળ્યા છે. દ્વારકાને આ સરવેમાં 84.4 ગુણ મળ્યા છે. એટલે કે ગુજરાતમાં 11 જિલ્લાઓમાં કરવામાં આવેલા આ સરવેમાં જામનગર છેલ્લા ક્રમે છે, જ્યારે દ્વારકા ચોથા ક્રમે છે. સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ અંતર્ગત દેશભરમાંથી 668 જિલ્લાઓના 17,475 ગામડામાં ટીમ પહોંચી હતી અને 87,375 જાહેર સ્થળોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.
એક-બે દિવસ માટે જાગ્યું તંત્ર
કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામીણ સર્વેક્ષણમાં જામનગર જિલ્લો પ્રથમક્રમે આવે તે માટે જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દોડતી થઇ અને ગ્રામ્યકક્ષાએ બાકી રહેલા વિકાસકામો જેવા કે શૌચાલય, ગ્રૂપ મિટિંગ વગેરે કરવાના પ્રયાસો કરાયા હતા પરંતુ એક બે દિવસ માટે જાગેલા તંત્રને સફળતા મળી નહીં. તો ઓનલાઇન સરવેમાં પણ લોકોએ રસ દાખવ્યો નહીં જેમાં મોબાઇલથી પણ પ્રતિભાવ મગાવવામાં આવ્યા હતા અંતે વાસ્તવિક સ્થિતિ ઉડીને આંખે વળગી છે. તો નેશનલ લેવલે જિલ્લાની જે બદનામી થઇ રહી છે તે અલગ.