Mysamachar.in-જામનગર:
લોકોની સામાન્ય માન્યતા એવી છે કે, શાળા એટલે સરસ્વતીનું ધામ અને શિક્ષણનો વ્યવસાય એટલે પવિત્ર વ્યવસાય. આ માન્યતાને આંચકો લાગ્યો છે. ખુદ શિક્ષકો પોતાની યોગ્યતાના બનાવટી સર્ટિફિકેટ સરકારમાં જમા કરાવે અને તેના બદલામાં પ્રજાની તિજોરીમાંથી નાણાં ઉપાડી ખિસ્સામાં સેરવી લ્યે- એ કેવું ?! એક અર્થમાં આ કૌભાંડ નોટુ છાપવાનો ધંધો લેખી શકાય. આ કૌભાંડમાં જામનગરના પણ 2 શિક્ષકો છે.
આ કૌભાંડ સમગ્ર રાજ્યમાં થયું છે. આ વહેતી ગંગામાં કુલ 782 શિક્ષકોએ ડૂબકી મારી રોકડમાં પૂણ્ય પ્રાપ્ત કર્યું છે. જો કે આ બધાં જ ચીટરો પાસેથી નાણાં ઓકાવવામાં આવશે એટલે કે રિકવરી થશે, કેમ કે રાજ્યનો શિક્ષણ વિભાગ આ કૌભાંડમાં નરમ રીતે વર્તવાના મૂડમાં નથી.
રાજ્યમાં 782 શિક્ષકોએ CCC યોગ્યતાના ખોટાં સર્ટિફિકેટ સરકારમાં રજૂ કરી, ઉચ્ચતર પગારધોરણનો લાભ મેળવી લીધો હોવાનું કૌભાંડ બહાર આવી ગયા બાદ, સરકારે જે તપાસ સમિતિ નીમી હતી તેણે સરકારને રિપોર્ટ આપી દીધો છે. આ રિપોર્ટના આધારે શિક્ષણ વિભાગે ગંભીર અને કડક પગલાંઓ લેવા નિર્ણય લીધો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ 782 પૈકી 198 મામલામાં સંબંધિત શિક્ષકોના પગારઈજાફા(પગારવધારો) અટકાવી દેવામાં આવ્યા છે. આ કૌભાંડની તપાસ બધાં જ જિલ્લાઓમાં કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં પણ આવા 2 શિક્ષક મળી આવ્યા હતાં, જેમણે બોગસ સર્ટિફિકેટ આપી સરકારમાંથી પગારના નાણાં મેળવી લીધાં હતાં. તંત્રના કહેવા અનુસાર, આ શિક્ષકો પાસેથી નાણાં પરત ઓકાવી લેવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગે એવો નિર્ણય લીધો છે કે, આવા કુંડાળાઓ આચરનાર શિક્ષકો વિરુદ્ધ FIR સુધીની કાર્યવાહીઓ કરવી. કારણ કે આ મામલામાં સરકાર સાથે છેતરપિંડીનો ફોજદારી ગુનો બને છે અને આ આર્થિક કૌભાંડ પણ છે. જે શિક્ષકોના ઈજાફા અટકાવી દેવાયા છે અથવા જેમની પાસેથી નાણાંની રિકવરી થઈ ગઈ છે, એવા શિક્ષકોએ હજુ પણ મોટી સજાનો સામનો કરવો પડી શકે છે.


