Mysamachar.in-સુરત:
સુરતના સચિન ઉદ્યોગનગરમાં કંપારી છોડાવી દે તેવી, ભયાનક આગની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 જિંદગીઓનો ભોગ લેવાઈ ચૂક્યો છે અને મોતનો આંક હજુ પણ વધશે. કારણ કે, અતિ વધુ પ્રમાણમાં દાઝી ગયેલાં અન્ય 8 કામદારોની સ્થિતિ અતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. આ ભીષણ આગમાં કુલ 27 કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે.
સચિન GIDCમાં એથર ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં મંગળવારે મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ થવા સાથે જ ભયાનક આગ ફાટી નીકળી હતી, જોતજોતાંમાં સમગ્ર ફેકટરી ભડભડ સળગી ઉઠી હતી. આગ બૂઝાવવાની કામગીરીઓ સાથે સાથે આગમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર લાવવાની બચાવ કામગીરીઓ પણ કરવામાં આવેલી, પરંતુ તો પણ 27 કામદારો આગની લપેટમાં લપેટાઈ ગયા.
આગની ઘટના પછીની બચાવ કામગીરીઓ દરમિયાન જાણવા મળેલ કે, 7 કામદારો લાપતા છે. આગ ઓલવાઈ ત્યારબાદ આ 7 કામદારોના કંકાલ ફેકટરીમાંથી મળી આવ્યા. અને દાઝી ગયેલાં 27 પૈકી અન્ય 8 કામદારો 70 થી 100 ટકા જેટલાં દાઝેલાં હોય, આ દુર્ઘટનાનો મોતનો આંક વધવાની દહેશત છે. ગંભીર રીતે દાઝેલા કુલ 20 કામદારોને જુદી જુદી હોસ્પિટલોમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. આગની દુર્ઘટના સર્જાઈ એ ફેકટરી કેમિકલ ઉત્પાદન કરતી હતી, જે સંપૂર્ણ સળગી ગઈ છે.