Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુના હોમ ટાઉન એવા હાલારમાં છેલ્લા એક વર્ષમાં સિઝનવાર કૃષિ વાવેતરનો અંદાજ મેળવવા સેટેલાઈટ ઈમેજ અને ડ્રોન ફોટોગ્રાફી પાછળ સરકારે ખાનગી એજન્સીને રૂા.4463691 ચૂકવ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે, ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમ માડમે વિધાનસભાના સત્રમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં વાવેતર વિસ્તારના આંકડા મેળવવા માટે સેટેલાઈટ ઈમેજ અને ડ્રોન ફોટોગ્રાફી દ્વારા સર્વે માટે ક્યારે ક્યારે આંકડા મેળવવામાં આવ્યા ઉપરાંત છેલ્લા એક વર્ષમાં વાવેતરના અંદાજો અને તે અન્વયે થયેલ ખર્ચ સંબંધમાં ધારાસભ્ય વિક્રમમાડમ દ્વારા ચાલુ વિધાનસભામાં પ્રશ્ર્નો પૂછી જાણવા માંગેલ હતું કે…
તા.31-12-2019ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં તાલુકાવાર વાવેતર વિસ્તારના અંદાજોના નિયમિત તથા ચોક્કસ આંકડા મેળવવા સેટેલાઈટ ઈમેજ અને ડ્રોન ફોટોગ્રાફી દ્વારા સર્વે માટે ક્યારે ક્યારે આંકડા મેળવવામાં આવ્યા? અને તે અન્વયે છેલ્લા એક વર્ષમાં સિઝનમાં પાક વાવેતરના અંદાજો શું છે? તેમજ તે અન્વયે કેટલી રકમ કઈ એજન્સીને ચૂકવી?જેના જવાબમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, તા.31-12-2019ની સ્થિતિએ તા.13 ફેબ્રુઆરી, 2019, તા.15 માર્ચ 2019, તા.ર મે 2019, તા.30 સપ્ટેમ્બર 2019, તા.3 ડિસેમ્બર 2019 અને તા.13 ડિસેમ્બર 2019ના અહેવાલથી આંકડા મેળવવામાં આવ્યા છે અને છેલ્લા એક વર્ષમાં દેવભૂમિ દ્વારકામાં 267060 અને જામનગર જિલ્લામાં 414482 હેકટરમાં રવિ ઉનાળુ ખરીફ પાકનું વાવેતર થયું હોવાનું જણાવ્યું હતું,સૌથી મહત્વની બાબત તો એ છે કે, કૃષિમંત્રીએ સત્તાવાર આપેલા જવાબ મુજબ હાલારના બન્ને જિલ્લામાં કૃષિ વાવેતરની સેટેલાઈટ ઈમેજ, ડ્રોન ફોટોગ્રાફી અને સર્વે માટે ઈમનેક્સ ઈન્ફોટેક પ્રા.લિ. કંપનીને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે રૂા.18,52,090 અને જામનગર જિલ્લા માટે રૂા.26,11,601 રૂપિયા મળી કુલ રૂા.4463691નું ચૂકવણું કરવામાં આવ્યું છે.