Mysamachar.in-જામનગર:
જામનગરના એક પરિવારની બાળકી સાથે દુષ્કૃત્ય તથા જાતીય સતામણી કરવા અંગે એક શખ્સ વિરુદ્ધ પોકસોની જુદી-જુદી કલમો અંતર્ગત દાખલ થયેલાં એક કેસમાં અદાલતે જિલ્લા સરકારી વકીલ દ્વારા રજૂ થયેલી વિસ્તૃત દલીલોના આધારે આ શખ્સને ગંભીર પ્રકારની સજાનો હુકમ કર્યો છે અને ભોગ બનનાર બાળકીના પરિવારને રૂ. 6 લાખનું વળતર આપવા પણ આદેશ થયો છે.
આ મામલો 2023ના પ્રારંભના સમયનો છે. આ અંગે આરોપી વિરુદ્ધ 4 વર્ષની બાળકીનું ચોકલેટ આપવાની લાલચે અપહરણ અને બાળકી સાથે દુષ્કૃત્ય આચરવા સંબંધે પોકસો એક્ટની વિવિધ કલમો અંતર્ગત શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસ અદાલતમાં ચાલતાં 37 દસ્તાવેજી પુરાવાઓ રજૂ થયા હતાં અને 22 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવેલો અને એફએસએલ રિપોર્ટ પણ રેકોર્ડ પર લેવામાં આવ્યો હતો. આ કેસમાં જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરી દ્વારા વિસ્તૃત દલીલો તથા રજૂઆતો અદાલત સમક્ષ મૂકવામાં આવી હતી.
અદાલતે આરોપી સર્જન ઉર્ફે ઝહરી ઉર્ફે જંગબહાદુર વિશ્વકર્માને 30 વર્ષની સખત કેદની સજા, અલગઅલગ કલમો હેઠળ રૂ. 5,000 નો દંડ તથા ભોગ બનનારને રૂ. 6,00,000નું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ કેસમાં પાંચ દિવસમાં અદાલતમાં આરોપનામું દાખલ થયું હતું. આ બનાવે 2023ના જાન્યુઆરી માસમાં જામનગરમાં ભારે ચકચાર જગાવી હતી.