Mysamachar.in-આણંદ
રોજ સવાર થતાની સાથે જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના સદુપયોગ કરતા દુરુપયોગના કિસ્સાઓ વધુ ને વધુ સામે આવી રહ્યા છે, આવો જ વધુ એક શખ્સનો આણંદ જીલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે, instagram પર અલગ અલગ ફેક આઈડી બનાવી આ શખ્સ રૂપિયાની માંગની કરતો હોવાનો ખુલાસો પોલીસે કર્યો છે, ખેડા જિલ્લાના કઠલાલના છીપડી ગામે રહેતા મજૂર યુવકે સોશ્યલ મીડિયાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર છોકરીઓના નામના અલગ અલગ ફેક આઈડી બનાવી અન્ય યુવતીઓ સાથે મિત્રતા કેળવ્યા બાદ તેની સાથે છેતરપિંડી અને પૈસા માટે બ્લેકમેલિંગ કરતો હોવાની ફરિયાદ આધારે ઉમરેઠ પોલીસે તેને પકડી પાડ્યો હતો.
છત્તીસગઢના કવર્ધામાં એક પીડિત યુવતીએ નોંધાયેલ ગુના સંદર્ભે પોલીસ આરોપીની શોધ કરી રહી હતી. જે દરમ્યાન આરોપી ઉમરેઠ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. છત્તીસગઢની યુવતી સાથે છેતરપિંડી કરી હોવાનો ગુનો હોઈ પોલીસે તેને છત્તીસગઢ પોલીસને સોંપી દીધેલ છે. દિલીપ આ દૈનિક મજુરી કરી જીવન ગુજારે છે. આમ છતાં તેણે વિવિધ સોશિયલ મીડિયા પર અલગ અલગ ફેક આઈડી બનાવી છોકરીઓ સાથે મિત્રતા કેળવી તેઓના ફોટા ફેક આઈડી પર મુકી બિભત્સ લખાણ લખી રૂપિયાની માગણી કરતો હતો. જો રૂપિયા ન આપે તો ફેક આઈડી પરથી અપલોડ કરેલા ફોટા ડિલીટ કરતો નહીં. ઉમરેઠ પોલીસની તપાસમાં દિલીપના મોબાઇલમાંથી અલગ અલગ 35 ફેસબુક એકાઉન્ટ મળી આવ્યાં હતાં અને તેણે 15થી 20 યુવતી સાથે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે.