Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
કાશ્મીરના પહલગામમાં થયેલાં આતંકી હુમલા બાદ ભારત સરકારે આદેશ આપી દીધો છે કે, ભારતમાં રહેતાં તમામ પાકિસ્તાનીઓએ નિયત સમયમાં ભારત છોડી દેવાનું રહેશે. ભારત સરકારના આ નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને આ સૂચના આપી અને રાજ્ય સરકારે જામનગર સહિત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓને આ સૂચનાઓ આપી અને તે અનુસંધાને સ્થાનિક પોલીસ વિભાગે આ પ્રકારના લોકોની યાદી તૈયાર કરી લીધી.
સામાન્ય રીતે, ગુજરાતમાં બે પ્રકારના પાકિસ્તાનીઓ વસવાટ કરતાં હોય છે. જે પૈકી કેટલાંક લોકો શોર્ટ ટર્મ વિઝા પર અને કેટલાંક લોકો અહીં લોંગ ટર્મ વિઝા પર રહેતાં હોય છે. આ તમામ પાકિસ્તાનીઓએ ગુજરાત છોડી પોતાના દેશમાં જવાનું રહેશે. ગુજરાતમાં આ પ્રકારના 438 પાકિસ્તાનીઓ છે, જેમને ગુજરાત ભારત છોડવા કહેવાયું છે જેમાં જામનગર જિલ્લાના 31 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 પાકિસ્તાનીઓનો સમાવેશ થાય છે. ભરૂચથી તો એક મહિલાને અટારી બોર્ડર પરથી પાકિસ્તાન રવાના પણ કરી દેવામાં આવી. આ મહિલા શોર્ટ ટર્મ વિઝા સાથે ગુજરાત આવી હતી.
