Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર અને ગોકુળપુર વચ્ચેના રોડ પર ગત્ મોડી રાત્રે એક કાર પલટી જતાં 3 યુવાનોના મોત થયા છે અને કારમાં સવાર અન્ય 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસમાં જાહેર થયેલી વિગતો અનુસાર, GJ-36-AC-4957 નંબરની એક વરના કાર ધ્રોલ તાલુકાના લતીપર અને ગોકુળપુર વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે, કારચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં આ કાર ઉંધી વળી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો પૈકી ત્રણના મોત નીપજયા છે અને અન્ય બે ને ઈજાઓ પહોંચી હોય, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ધ્રોલ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી.રાઠોડના જણાવ્યા અનુસાર, કારમાં સવાર આ પાંચ યુવાનો લતીપર ખાતે એક લગ્ન સમારંભમાં આવ્યા હતાં. જ્યાં દાંડિયારાસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ પાંચ મિત્રો નાસ્તો કરવા ગયા હતાં અને ત્યાંથી પરત ફરી રહ્યા હતાં ત્યારે ગોકુળપુર નજીક આ 3 યુવાનોને આ ગમખ્વાર અકસ્માતમાં મોતનો ભેટો થઈ ગયો હતો. આ સમાચારની જાણ થતાં લગ્ન સમારંભમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.
આ ઘાતક અકસ્માતમાં રાજકોટના એક અને જામનગરના બે યુવાનો એમ કુલ ત્રણ વ્યક્તિઓના મોત નીપજયા છે. મૃતકોના નામો પોલીસમાં જાહેર થયા પ્રમાણે, રિષીભાઈ મુકેશભાઈ ચભાડીયા, (રહે. રાજકોટ), ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા (રહે. શિવનગર શેરી નં. 4, શંકરટેકરી ઉદ્યોગનગર પાસે, જામનગર) અને વિવેકભાઈ દિનેશભાઈ પરમાર ( રહે. શ્રીજી હોલ પાસે, જામનગર) છે. કારમાં સવાર અન્ય બે લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો સંભાળી ફરિયાદ અને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલાર સહિત સમગ્ર રાજ્યમાં અકસ્માતની વણઝાર સતત સર્જાતી રહેતી હોય, આ સમગ્ર બાબત મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે.