Mysamachar.in-આણંદ
આણંદ જિલ્લન પેટલાદ તાલુકાના ફાંગણી ગામમાં દસેક દિવસ અગાઉ દંપત્તિને ધમકાવી લુંટ કરનારી ગેંગના ચાર સભ્યો પૈકી ત્રણ શખ્સને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. મૂળ દાહોદની આદિવાસી ગેંગ પોલીસને હાથ લાગી છે જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. દાહોદના ધાનપુર ગરબાડા વિસ્તારના આદિવાસી માણસો ચરોતરના અલગ અલગ વિસ્તારોમાં મજૂરીકામ અર્થે આવી દિવસ દરમિયાન રેકી કરીને નાની-મોટી ઘરફોડ ચોરી અને લુંટને અંજામ આપતા હોવાની બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. વધુમાં દાહોદની ગેંગના ભરત મોતી મંડોર અગાઉ તેના સાગરિત સાથે લૂંટ તેમજ ઘરફોડ ચોરીઓના ગુનામા પકડાયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ ગેંગના સભ્યો આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભેગા થઈને રાત્રિના ચોરીને અંજામ આપવાના હોવાની ચોક્કસ બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી.
જેને પગલે પોલીસે વોચ ગોઠવી આણંદ નવા બસ સ્ટેન્ડ પાસેથી ત્રણ શખ્સ ભરત ઉપરાંત મલસીંગ રાયસીંગ પરમાર (રહે. કાંટુ, ધાનપુર, દાહોદ) અને ગબી ઉર્ફે ગોપાલ વીરીયા મોહનીયા (રહે. ઉંડાર, ધાનપુર, દાહોદ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેયની તપાસ કરતાં તેમની પાસેથી લોખંડનુ ગણેશીયુ, પક્કડ, નાની બેટરી મળી આવ્યા હતા. સઘન પૂછપરછ કરતા ગત 28મીના રોજ વહેલી સવારે પેટલાદ તાલુકાના ફાંગણી ગામે આવેલા પતિ-પત્નીને ધમકાવી લૂંટ આચરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં આણંદ જિલ્લાના ચાર ગુનાના ભેદ ઉકેલાયા હતા.
ત્રણેય શખ્સ વિરૂદ્ધ અગાઉ જુદા જુદા પોલીસ મથકોમાં થઈને 71 જેટલા ગુના નોંધાયા છે. ઝડપાયેલા આરોપીઓમાં ગબીભાઈ ઉર્ફે ગોપાલ મોહનીયા અગાઉ અમદાવાદ રૂરલ, બોપલ, માણસા, લીમખેડા, ધાનપુર, અમદાવાદ શહેર, ધોળકા, ગાંધીનગર, ડભોડા વિગેરે વિસ્તારોમાં મર્ડર, ધાડ, લુંટ, ઘરફોડ, ચોરીઓના 40 ઉપરાંત ગુનાઓમાં સંડોવાયેલો છે. ગાંધીનગર શહેર ઇન્ફોસિટી પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ છે. મલસીંગ પરમાર અગાઉ લીમખેડા, ગોધરા, શહેરા, લીંબાસી, માતર, ધોળકા, વાપી, છોટાઉદેપુર, ચોટીલા વિગેરે વિસ્તારોમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓના 20 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો. જ્યારે ત્રીજો આરોપી ભરત મંડોર વાપી, વલસાડ, લીમખેડા વિગેરે વિસ્તારોમાં લુંટ, ધાડ, ઘરફોડ ચોરીઓના 11 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો.હવે આ ગેંગની વિશેષ તપાસ રિમાન્ડ પર લઇ હાથ ધરવામાં આવશે.