Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના ફલ્લા ગામના કન્સ્ટ્રક્શનના એક ધંધાર્થીને દમદાટી આપી, માટી ભરવા બાબતે તેની પાસેથી રૂ. 3,000 ની રકમ બળજબરીથી કઢાવવા મામલે 3 મહિલા અને 2 પુરૂષ વિરુદ્ધ તાજેતરમાં ‘તોડ’ ની એક ફરિયાદ દાખલ થયેલી અને ત્યારબાદ આ આરોપીઓની ધરપકડ પણ થઈ. તે સમયે જ પોલીસે જાહેર કર્યું હતું કે, આ ટોળકી કેટલાંક સમયથી આ પ્રકારની તોડબાજી કરી રહી છે અને જુદા જુદા વિસ્તારોમાં આ કૃત્યો આચરે છે એવી વિગતો બહાર આવી છે. ત્યારબાદ આ પ્રકારની વધુ 3 FIR આ આરોપીઓ અને અન્ય કેટલાંક નવા આરોપીઓ વિરુદ્ધ દાખલ થઈ છે.
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં લૈયારાના જેસીબીના ધંધાર્થી ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાએ આ ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં આરોપીઓ તરીકે ખંભાળિયાના પ્રવિણ કરશનભાઈ પરમાર ઉપરાંત વિરૂ સવજી પરમાર તથા રાજેશ્રી ઉર્ફે જયશ્રી દિપક ચૌહાણ અને જગદીશ હસમુખ સાંથેલા નામના જામનગરના 3 તેમજ ખંભાળિયાની ગીતા પ્રવિણ ચાવડાના નામો છે.
આ ફરિયાદી જેસીબી તથા ટ્રેક્ટર વડે માટી ઉપાડવાનું કામ કરતાં હતાં ત્યારે, આ ટોળકી આવી હતી અને પોતાની ઓળખ ખાણ ખનિજ ખાતાના અધિકારી તરીકે ખોટી રીતે આપી ફરિયાદી પાસેથી રૂ. 10,000 લીધાં હતાં. આ પ્રકારની અન્ય બે ફરિયાદ જોડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે.
જોડીયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ જેસીબીના ધંધાર્થી ખેડૂત મોતીભાઈ દેવાભાઈ ધ્રાંગીયાએ તથા અન્ય એક ફરિયાદ મચ્છાભાઈ જીવાભાઈ ધ્રાંગીયાએ કરી છે. આ બંને ફરિયાદોમાં આરોપીઓ તરીકે પ્રવિણ કરશનભાઈ પરમાર, વૈશાલી મનિષ ધામેચા, જયોતિ હેમંત મારકણા, વિરૂ સવજી પરમાર નામની મહિલા તથા અજાણ્યા ઈસમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જોડીયાની ફરિયાદોના ફરિયાદીઓ ખેતર તથા તળાવમાંથી માટી ખોદકામ કરી રહ્યા હતાં ત્યારે આ ઠગ ટોળકીએ પોતાની ઓળખ પત્રકારો તરીકે આપી, દમદાટી આપી, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી એક ફરિયાદી પાસેથી રૂ. 10,000 અને એક ફરિયાદી પાસેથી રૂ. 5,000 બળજબરીથી કઢાવી લીધાનો ફરિયાદોમાં ઉલ્લેખ છે. આ બધાં જ ગુનાઓમાં અલગઅલગ આરોપીઓએ કાર નંબર GJ-04-CJ-2162નો ઉપયોગ કર્યાની ફરિયાદ છે. આ 3 બનાવો માર્ચ અને એપ્રિલ મહિનાઓના પ્રથમ સપ્તાહમાં બનેલા, જે ત્રણેય બનાવોની ફરિયાદ ગઈકાલે પાંચ આરોપીઓ ઝડપાઈ ગયા બાદ દાખલ થઈ છે.