Mysamachar.in:જામનગર
જામનગર જીજી હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ કેમ્પસના આધુનિકરણ માટે રાજય સરકારે રૂપિયા 500 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેના ભાગરૂપે મેડિકલ કોલેજ કેમ્પસમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ અગિયાર માળ એમ કુલ બાર માળની ઈમારત રૂપિયા 58 કરોડના ખર્ચથી નિર્માણ પામશે જેમાં 350 રુમ હશે અને મેડિકલ કોલેજની 700 તબીબી છાત્રાઓ તેમાં રહી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી શકશે. આ મહાકાય ઈમારત કુલ 3,06,322 સ્કવેર ફૂટ જમીન પર બનાવવામાં આવશે. આ ગર્લ્સ હોસ્ટેલમાં પાર્કિંગ, રેકટર ક્વાર્ટર્સ, વેઈટીંગ એરિયા, લોન્ડ્રી, 255 છાત્રાઓની કેપેસિટી ધરાવતો ડાઇનિંગ એરિયા, રિક્રિએશન રુમ, ટોયલેટ બ્લોક, દરેક રુમમાં ફર્નિચર, 4 લિફ્ટ, 4 દાદર, ડીજીસેટ, સેન્ટ્રલી RO પ્લાન્ટ તથા ફાયર સેફટી સિસ્ટમ વસાવવામાં આવશે. આ ઈમારતનો કુલ ખર્ચ રૂ. 5,841.96 લાખ થશે.
હાલમાં કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ ગર્લ્સ હોસ્ટેલનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે ડો. વિજય પોપટ સહિતના તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીન ડો. નંદિની દેસાઈ તથા હોસ્પિટલ અધિક્ષક ડો. દિપક તિવારી વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં. મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતાં અને આ પેકેજ જાહેર કરવા બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત ડો. એસ.એસ.ચેટરજી તથા શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા વગેરે હાજર રહ્યા હતાં.