Mysamachar.in-રાજકોટ:
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનું વળગણ બાળકો, ટીનેજર અને યુવાઓમાં હદો વટાવી ચૂક્યું છે, જેના ગંભીર અને ઘાતક પરિણામો પણ અવારનવાર સમાચારોમાં ચમકે છે, આમ છતાં ઘણાં લોકો આ ઘેલછાનો શિકાર બની રહ્યા છે. રાજકોટમાં આવી વધુ એક ગંભીર ઘટના બની, જેમાં સેલ્ફી લેતાં 3 પૈકી 2 મિત્રોના કમકમાટીભર્યા મોત થયા અને 1 મિત્ર ગંભીર સ્થિતિમાં છે.
આ ઘટના રાજકોટમાં ગોંડલ રોડ નજીકના માલધારી રેલ્વે ફાટક પર બની. અહીંથી વંદે ભારત નામની ટ્રેન 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થનાર હતી ત્યારે, ફાટક બંધ કરવામાં આવ્યું હતું. ઘણાં બધાં વાહનચાલકો ફાટક ખૂલવાની રાહ જોઈ રહ્યા હતાં એ સમયે 3 પરપ્રાંતીય યુવાનો રેલ્વેટ્રેક પર ગયા. સેલ્ફી લેવાનું શરૂ કર્યું. ચોથો મિત્ર આ મિત્રોની રીલ બનાવી રહ્યો હતો.
આ 3 યુવાનો સેલ્ફી લઈ રહ્યા હતાં ત્યારે ધસમસતી આવેલી ટ્રેને ત્રણેયને કચડી નાંખ્યા. 3 પૈકી 2 મિત્રોના શરીરનો કચ્ચરઘાણ નીકળી ગયો. ઘટનાસ્થળે જ તરફડીને કાયમ માટે શાંત. ત્રીજો મિત્ર અત્યંત ગંભીર રીતે ઘાયલ થયો. આ પરપ્રાંતીય યુવાનો રાજકોટથી પોતાના વતન ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ રહ્યા હતાં ત્યારે, એક મિત્રએ બીજા બે મિત્રને કહ્યું: અપના ભાઈ આજ ગાંવ જા રહા હૈ, તો એક સેલ્ફી લે લેતે હૈ.
આ ક્ષણ 3 પૈકી 2 મિત્રોને ભરખી ગઈ. ધસમસતી ટ્રેનના ચાલકે ઘણી વખત હોર્ન વગાડયું. પણ મિત્રો સેલ્ફી લેવાની ઘેલછામાં મસ્ત રહ્યા અને 2 મિત્રોને કાળ કોળિયો કરી ગયો. ટ્રેનચાલકે ઈમરજન્સી બ્રેક પણ લગાવી હતી. પરંતુ ટ્રેન રોકાય એ પહેલાં, ફાટક પર ઉભેલા સેંકડો લોકોએ આ કમકમાટીભરી ઘટના નજરોનજર નિહાળી. મૃતક બંને યુવાનોની ઉંમર 20/22 વર્ષ આસપાસ હતી.


























































