Mysamachar.in-અમદાવાદ:
સરકારી યોજનાઓના ઓઠાં તળે ઘણું ચાલતું હોય છે, અને જો કોઈ યોજના તોતિંગ હોય તો, એમાં ગેરરીતિઓ આચરનારાઓ માટે ‘કમાણી’ની તકો પણ વધી જતી હોય છે. સૌ જાણે છે એમ, અન્ય કેટલાંક રાજ્ય માફક ગુજરાતમાં પણ ‘મનરેગા’ યોજનામાં કાગળ પર ચિતરામણ કરનાર લોકો અત્યાર સુધીમાં ઘણી મોજ કરી ચૂક્યા છે.
દરમ્યાન, ગુજરાતના ‘મનરેગા’ના કેટલાંક આંકડા જાહેર થયા છે. આ આંકડા સરકારે લોકસભામાં જાહેર કર્યા છે. આ આંકડા અનુસાર, ગુજરાતમાં વર્ષ 2019-20 થી વર્ષ 2024-25 દરમ્યાન 7.49 લાખ જોબકાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. આ આંકડામાં એમ પણ કહેવાયું છે કે, આ સમયગાળા દરમ્યાન ગુજરાતમાં 22.68 લાખ શ્રમિકોના નામો જોબકાર્ડ પરથી દૂર કરવામાં આવ્યા છે.
સંબંધિત અધિકારીઓના કહેવા અનુસાર, આ આંકડા જાહેર થતાં ગુજરાતમાં ‘મનરેગા’ યોજનાની પારદર્શકતા અને જવાબદેહિતા અંગે તીખી ચર્ચાઓ શરૂ થઈ છે. જો કે, અન્ય અધિકારીઓ કહે છે: ઘણાં નામો ખોટાં હતાં, ઘણાં નામો જોબકાર્ડ પર બબ્બે વખત ચડાવી દેવામાં આવ્યા હતાં, કેટલીક નોંધ અયોગ્ય રીતે થઈ હતી, ઘણાં શ્રમિકો સ્થળાંતરિત થઈ ગયા છે, કેટલીક ગ્રામ પંચાયત શહેરોમાં ભળી ગઈ છે અને જોબકાર્ડ પર કેટલાંક નામો એવા પણ હતાં કે જે શ્રમિક ખરેખર તો મૃત્યુ પામી ગયા હોય તો પણ કાર્ડ પર એમના નામો હોય. અહીં પ્રશ્ન એ પણ થઈ શકે કે, આ પ્રકારના જે નામો લાંબા સમય સુધી કાર્ડ પર રહ્યા હોય, એ શ્રમિકોના નામે સરકારની તિજોરીમાંથી જે નાણું ખેંચી લેવામાં આવ્યું હોય, એ રૂપિયા કોણ ‘જમી’ ગયું ? આ પ્રશ્નનો ઉત્તર કયારેય બહાર આવશે ? (file image)


