Mysamachar.inઅમદાવાદ
રાજ્યનો વિકાસ થઇ રહ્યો છે અને વિકાસની સાથે સાથે સુરક્ષા માટે પોલીસદળમાં પૂરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હોય તે પણ એટલું જ જરૂરી છે, રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓની તો ઘટ છે તો પોલીસકર્મીઓની પણ ઘટ છે, આવું થોડા સમય પૂર્વે સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ કરી જાહેર કરેલ અને કહેલું કે ભરતીઓ થશે…
ગુજરાત હાઇકોર્ટે પોલીસ ભરતી અંગે માહિતી આપવા સરકારને આદેશ આપ્યો છે. વર્ષ 2023ની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને પુછ્યું હતું કે કેટલા પોલીસકર્મીઓની ભરતી કરી? બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે, તેની પણ વિગત આપો. પોલીસકર્મીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સરકારને હાઇકોર્ટે આદેશ આપ્યો છે, પોલીસકર્મીઓની ઘટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લીધો છે. અને પોલીસ ભરતીની તમામ માહિતી આપવા સરકારને આદેશ કર્યો છે.
આ મુદ્દે હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ વિશે રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે તે વિગત આપો. પોલીસકર્મીઓ મુદે વિગતવાર રિપોર્ટમાં રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ છે. 31 ડીસેમ્બર, 2023 સુધીમાં સરકાર પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ અને હાથ ધરાયેલ ભરતીઓ વિશે જાણકારી આપશે. આ મુદ્દે વધુ સુનવણી 30 જાન્યુઆરી, 2024 ના રોજ રાખવામાં આવી છે.અગાઉ એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા એફિડેવિટમાં સ્વીકાર કર્યો હતો કે રાજ્યના પોલીસ વિભાગમાં 21.3% જગ્યા ખાલી છે. જેનો આંકડો 27 હજાર જેટલો છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 04 હજાર જગ્યા ખાલી છે. 07 હજાર પોલીસ કર્મચારીની વર્ષ 2023-24 માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે.