Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદ પોલીસના કેટલાક પોલીસકર્મીઓ દ્વારા તોડ કરવાની ઘટનાઓ ભારે ચર્ચામાં રહી છે, ત્યારે થોડા સમય અગાઉ પણ પોલીસ દ્વારા તોડ કરવાની એક ઘટના અંગે હાઈકોર્ટે પણ કડક નિંદા કરી હતી ત્યાં જ વર્લ્ડ કપ ફાઈનલના દિવસે દિલ્હીના એક વ્યક્તિ પાસેથી કેટલાક પોલીસકર્મીઓએ ભેગા મળી કરેલ 20,000 ના તોડે પોલીસની આબરૂ ધૂળધાણી કરી નાખતા ચોકી ઉઠેલ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પ્રાથમિક તપાસ પૂર્ણ કરી અને 3 પોલીસકર્મી સસ્પેન્ડ જયારે 7 TRB ને ઘરભેગા કરી દેવાનો નિર્ણય લીધો છે.
આ અંગેની વિગતો એવી છે કે વર્લ્ડ કપની ફાઈનલ મેચ નિહાળવા આવેલા દિલ્હીના એક વ્યક્તિ પાસેથી 20 હજારનો તોડ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ અને TRB જવાનો સામે તવાઇ બોલાવવામાં આવી છે. અમદાવાદમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ નિહાળવા દિલ્હીથી આવેલ એક વ્યક્તિ પાસેથી નાના ચિલોડા સર્કલ પાસે દિલ્હીથી આવેલા કાનવ માનચંદા નામના યુવાનની કારમાં વોડકા એટલે કે એક ઇંગ્લીશ દારૂની બોટલ લઈને આવ્યો હતો.જે ટ્રાફિક પોલીસના ટ્રાફિક જવાન સહિત ટીઆરબી જવાનોએ દારૂની બોટલ જોઇને કેસ નહીં કરવા માટે પહેલા 2 લાખની માગ કરી હતી. જે વાતચીત કરતા 20 હજાર રૂપિયા ખાનગી વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતની મેચ હારી ગયા બાદ દિલ્હીનો યુવાન કાનવ માનચંદા ગ્રાઉન્ડમાંથી બહાર આવી રહ્યો હતો. ત્યારે મીડિયા સમક્ષ માહિતી જાહેર કરી હતી કે, તેની સાથે આવા પ્રકારના બનાવ બન્યો હતો.
બનાવની જાણ થતાં જ પોલીસ કમિશનર દ્વારા ઉચ્ચ અધિકારીઓને તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. ટ્રાફિક વિભાગ દ્વારા એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં 3 ટ્રાફિક પોલીસકર્મીઓને સસ્પેન્ડ જયારે 7 ટીઆરબી જવાનની તોડમાં ભૂમિકા સામે આવતાની સાથે તમામને માનદસેવામાંથી મુક્ત એટલે કે ઘરભેગા કરવામાં આવ્યા હતા. અને દિલ્હીના યુવાન કાનવ માનચંદા ફરિયાદ આપવાની ના પાડવા છતાં ભોગ બનનારની ફરિયાદ લેવા માટે ટ્રાફિક વિભાગના પીઆઇ સહિતની એક ટીમ દિલ્હી રવાના કરવામાં આવી છે.જો ફરિયાદ નોંધાઈ તો 3 પોલીસકર્મી અને TRB જવાનની ધરપકડ પણ કરવામાં આવી શકે છે.