Mysamachar.in-જામનગર:
જામનગરમાં છેતરપિંડીઓની ફરિયાદો નોંધપાત્ર પ્રમાણમાં દાખલ થઈ રહી છે, છેતરપિંડીઓ લાખો રૂપિયાની હોય છે, અમુક ફરિયાદોમાં છેતરપિંડીઓ થયાનો સમયગાળો વર્ષો પહેલાંનો હોય છે અને ફરિયાદ મોડી કરવામાં આવી હોય છે અને અમુક આવા ગુનાની FIR દાખલ થયાના ‘ગણતરીના કલાકો’માં આરોપીઓ ઝડપાઈ ગયાનું જાહેર થઈ જાય.
છેતરપિંડીઓની વધુ 2 ફરિયાદ, 24 કલાકના સમય અંતરાલમાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ. એક ફરિયાદમાં ફરિયાદી (ભેરારામ માંગીલાલ ચૌધરી, 29, રહે. તામિલનાડુ)કહે છે: જામનગરના સાગર કારૂભાઈ નંદાણીયાએ ખોટી ઓળખ આપી આ ફરિયાદી સાથે રૂ. 31 લાખ કરતાં વધુ રકમની ઠગાઈ કરી છે. આરોપીએ ફરિયાદી પાસેથી બ્રાસ અને કોપરનો જથ્થો અન્ય નામે મંગાવી લીધો અને નાણાં સાત-આઠ મહિનાથી ચૂકવ્યા નથી. ફરિયાદમાં એમ પણ જણાવાયું કે, પ્રથમ વખત ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલાં ટ્રાન્ઝેક્શનનું પેમેન્ટ મળી ગયેલું. બીજી વખતમાં ખેલ પડી ગયો.
બીજી ફરિયાદ, જયસુખભાઈ બાવજીભાઈ હાપલીયાએ સિરાજ સૈફી ઉર્ફે બંટી તથા રોહિત કાનાણી વિરુદ્ધ દાખલ કરાવી છે. જેમાં છેતરપિંડીની રકમ રૂ. 21.41 લાખ છે. આમાં પણ બ્રાસના જથ્થાની જ લેતીદેતીનો મામલો છે. આ મામલો રૂ. 31.36 લાખનો છે, જે પૈકી આરોપીઓએ જેતે સમયે રૂ. 9.95 લાખ ફરિયાદીને આપી દીધાં હતાં. બાકીની રકમની ઠગાઈ થઈ. આ મામલો પણ સાત-આઠ મહિના જૂનો છે. ફરિયાદી જામનગરના વેપારી છે અને બંને આરોપીઓ ગ્રેટર નોઈડાના રહેવાસી છે. બંને ફરિયાદમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી સંબંધિત કલમો અંતર્ગત ગુના દાખલ થયા છે.
