Mysamachar.in-જામનગર:
જામનગરમાં તાજેતરમાં પોલીસ ભરતીઓ દરમ્યાન 2 શખ્સોએ પરીક્ષાઓ લેનાર તંત્રને છેતરી લેવાનો પ્રયાસ કર્યો. પણ આ ચીટરો એ જાણતાં ન હતાં કે, આ પરીક્ષાઓ માટેની વ્યવસ્થાઓ તંત્રએ ટેક્નિકલ રીતે અદભુત ગોઠવી હતી, આથી આ બંને આરોપીઓ ઝડપાઈ ગયા. આ સમાચાર પરીક્ષાઓ આપનારા ઉમેદવારોમાં ફેલાઈ જતાં ચકચાર મચી છે.
આ છેતરપિંડી મામલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. આ ફરિયાદ લીવ રિઝર્વ પોલીસ ઈન્સ્પેક્ટર જે.પી.સોઢાએ દાખલ કરાવી છે. આ મામલામાં ગોંડલના બેટાવડ ગામના બે શખ્સો ઝડપાઈ ગયા છે, જે પૈકીનો મુખ્ય આરોપી ગોંડલ SRP માં નોકરી કરે છે.
જામનગરના પોલીસ હેડ કવાર્ટર ખાતે આ ભરતી પરીક્ષાઓ દરમ્યાન દોડવાની એટલે કે, રનિંગની પરીક્ષા લેવામાં આવી રહી હતી ત્યારે, ગત્ 23મી જાન્યુઆરીએ આ બંને શખ્સોની છેતરપિંડીઓ ઝડપાઈ ગઈ. છેતરપિંડી આચરનાર મુખ્ય શખ્સ અને આ પરીક્ષાનો ઉમેદવાર અર્જુનસિંહ સુખુભા જાડેજા ગોંડલના બેટાવડ ગામનો વતની છે અને ગોંડલ SRPમાં નોકરી કરે છે.
આ શખ્સે રનીંગની પરીક્ષાઓ દરમ્યાન પગમાં લગાડવાની RFID ચિપ પોતાના પગમાંથી ઉખાડી નાંખી અને આ ચિપ સાથી ઉમેદવાર શિવભદ્રસિંહ દશરથસિંહ જાડેજાને આપી. આ શખ્સે આ ચિપ પોતાના પગમાં લગાડી દીધી. એટલે કે દોડે શિવભદ્રસિંહ અને પરીક્ષામાં પાસ થઈ જાય અર્જુનસિંહ ! પરંતુ આ પૂર્વયોજિત કાવતરૂં ઝડપાઈ જતાં બંને આરોપીઓને આ પરીક્ષામાંથી કાઢી મૂકવામાં આવ્યા અને બંને વિરુદ્ધ આ ગુનો દાખલ થયો.
આ કુંડાળાની, પરીક્ષાઓ લેનાર તંત્રને ખબર કેવી રીતે પડી ?..
આ પરીક્ષાઓ દરમ્યાન રનીંગ માટેના ઉમેદવારોને ફેસ આઈડેન્ટિફિકેશન દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. બાદમાં આ પરીક્ષાઓ દરમ્યાન પીએસઆઈ સી.બી.મકવાણાના ધ્યાન પર આવ્યું કે, હાલ જે 200 ઉમેદવાર રનીંગમાં છે તે પૈકી એક ઉમેદવારની ચિપ મશીનમાં રીડ થતી નથી. આથી તપાસ કરવામાં આવી. બાદમાં કંટ્રોલરૂમ અને સીસીટીવી કેમેરાની મદદથી બહાર આવ્યું કે, અર્જુનસિંહ નામના શખ્સે આ ચિપ શિવભદ્રસિંહ નામના શખ્સને આપી રનીંગ પરીક્ષામાં પોતાની જગ્યાએ સામેલ કરી, તંત્રને છેતરવાનો પ્રયાસ કર્યો. આ બંને શખ્સો વિરુદ્ધ ધી ગુજરાત જાહેર પરીક્ષા(ગેરરીતિઓ અટકાવવા બાબત) અધિનિયમ 2023 અંતર્ગત અને BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલાએ પોલીસ ભરતીઓ માટેના ઉમેદવારોમાં ચકચાર મચાવી દીધી છે.























































