Mysamachar.in-જામનગર:
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતની સાથેસાથે જામનગર જિલ્લામાં પણ તમામ પંથકોમાં વરસાદ વરસી રહ્યો હોય, જિલ્લાના જળાશયોમાં વધુ ને વધુ પાણીની આવક થઇ રહી છે. જામનગર જિલ્લાના 25 પૈકી 14 જળાશયો ઓવરફલો પણ થઈ ગયા છે અને તેમાં પાણીની આવક પણ થઈ રહી છે. જામનગર જિલ્લાના 25 ડેમ પૈકી 14 ડેમ ઓવરફ્લો છે. આ જળાશયોની 100 ટકા ઉંડાઈ પાણીથી ભરાઈ ચૂકી છે. આ ડેમોમાં પાણીની આવક હજુ પણ ચાલુ હોય તે પૈકી અમુક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. અમુક અનગેટેડ ડેમ ઉપરથી છલી રહ્યા છે.
સસોઈ, પન્ના, ફૂલઝર-1, સપડા, ફૂલઝર-2, ડાઈમીણસાર, ઉંડ-3, વોડીસાંગ, રૂપાવટી, સસોઈ-2, રૂપારેલ, બાલંભડી, વાગડીયા અને ઉંડ-4 આટલાં જળાશયો છલકાઈ ગયા છે અને જિલ્લાના 25 પૈકી 20 ડેમમાં પાણીની આવક ચાલુ છે અને કેટલાંક ડેમમાંથી પાણી છોડવામાં પણ આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકા હસ્તકનો રણજિતસાગર ડેમ પણ હાલ ઓવરફ્લો વહી રહ્યો છે.