Mysamachar.in:રાજકોટ
ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ માફક કોલેજોની પરીક્ષાઓમાં પણ CCTV કેમેરા અને ચેકિંગ છતાં ચોરીઓ થતી રહે છે ! જો કે આવા કેટલાંક તત્ત્વો પકડાઈ પણ જાય છે અને સજાઓ પણ થતી હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આવા 13 વિદ્યાર્થીઓને સજાઓ આપી છે. જેમાં જામનગરની એક છાત્રાનો પણ સમાવેશ થાય છે.
યુનિવર્સિટીએ આ પ્રકારના કેસો પરીક્ષાની શિસ્ત વિષયક એકશન કમિટી સમક્ષ મૂકયા હતાં. એકશન કમિટીએ આ માટે તાજેતરમાં સુનાવણી હાથ ધરી હતી.આ સુનાવણીના અંતે કુલ 13 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી સંબંધે દોષિત ઠરાવવામાં આવ્યા હતાં અને આ વિદ્યાર્થીઓને સજાઓ આપવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાનાં દિગ્વિજય ગ્રામની એક છાત્રા પણ છે. દિગ્વિજય ગ્રામની કોલેજની છાત્રા નિધિ ગોસ્વામી પરીક્ષા ગેરરીતિમાં દોષિત સાબિત થતાં આ છાત્રા 1+4 સેમેસ્ટરની પરીક્ષાઓ આપી શકશે નહીં. આ ઉપરાંત અન્ય 12 વિદ્યાર્થીઓ રાજકોટ અને અમરેલી સહિતનાં જિલ્લાઓના છે. ગેરરીતિઓ આચરનારા પૈકી પચાસ ટકા વિદ્યાર્થીઓ અમરેલી જિલ્લાના છે.
સુનાવણી દરમ્યાન કુલપતિ પણ હાજર રહ્યા હતાં. કુલ 16 વિદ્યાર્થીઓને સુનાવણીમાં બોલાવવામાં આવ્યા હતાં. જે પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓએ સુનાવણીમાં હાજરી આપી. 10 વિદ્યાર્થીઓ આ સમયે ગેરહાજર રહ્યા. કોલેજોનાં સુપરવાઈઝર અને સિનિયર સુપરવાઈઝરો વગરેનાં રિપોર્ટના આધારે આ સુનાવણી ચલાવવામાં આવી હતી. 13 વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓ પાંચ સેમેસ્ટર સુધી અને એક વિદ્યાર્થી નવ સેમેસ્ટર સુધી પરીક્ષાઓ આપી શકશે નહીં. બાકીના 10 વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી એટલે કે બે સેમેસ્ટર દરમિયાન પરીક્ષાઓ આપી શકશે નહીં. રાજકોટનો ઉદય મહેશભાઈ સોનારા સાડા ચાર વર્ષ સુધી પરીક્ષાઓ આપી શકશે નહીં. આ ઉપરાંત રાજકોટ અને જામનગરનાં બે વિદ્યાર્થીઓ અઢી અઢી વર્ષ સુધી પરીક્ષાઓ આપી શકશે નહીં.