Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલ સહિત રાજ્યની 14 હોસ્પિટલને આપવા સરકારે રૂ. 178.54 કરોડનો ખર્ચ કરી MRI મશીનોની ખરીદી કરી છે અને દાવો કર્યો છે કે, આથી લોકોની આરોગ્ય સુવિધાઓમાં વધારો થશે. રાજ્ય સરકારે જાહેર કર્યું કે, રૂ. 178.54 કરોડના ખર્ચથી 14 MRI મશીનની ખરીદી કરવામાં આવી છે. આ મશીનો GMERS સંચાલિત અને વિવિધ સિવિલ હોસ્પિટલોને આપવામાં આવશે. આ યાદીમાં જામનગરનો પણ સમાવેશ થાય છે. જામનગરની જીજી હોસ્પિટલને પણ આ આધુનિક ટેકનોલોજિનું મશીન આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર સહિતની હોસ્પિટલોને આ પ્રકારના કિંમતી મશીનો આપવામાં આવે છે પરંતુ પછી સ્થાનિક કક્ષાએથી આ કંપનીઓ સાથે સત્તાવાળાઓ યોગ્ય સંકલન જાળવી શકતા ન હોય ઘણીયે વખત આ મશીનો જયારે બંધ જાય ત્યારે મહિનાઓ સુધી બંધ રહેતાં હોય છે. ઉપરાંત આ કિંમતી મશીનોની સ્થાનિક કક્ષાએ યોગ્ય જાળવણી થતી ન હોય, કરોડો રૂપિયાના ખર્ચનો લોકોને યોગ્ય લાભ મળતો હોતો નથી અને દર્દીઓએ નાછૂટકે આ માટે ખાનગી હોસ્પિટલોને શરણે જવું પડતું હોય છે. લોકોની અપેક્ષાઓ એવી છે કે, આ કિંમતી મશીનોનો સદુપયોગ થઈ શકે. આ એક મશીનની કિંમત રૂ. 12.75 કરોડ છે.


























































