Mysamachar.in:સુરત
સુરતમાં પાંડેસરા પોલીસે બનાવટી ભારતીય ચલણી નોટ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 500ના દરની 7 બનાવટી ભારતીય ચલણી નોટ કબજે કરી હતી. તો તેની પૂછપરછ કરતા આ નેટવર્ક લુધિયાના સુધી ફેલાયેલ હોવાનું જાણવા મળતા લુધિયાનાથી પણ એક ઈસમને ઉઠાવી લેવામાં આવ્યો છે. સુરતમાં પાંડેસરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન માહિતીના આધારે દુધની દુકાને ભારતીય બનાવટી ચલણી નોટ વટાવવા આવેલા પાંડેસરા પીયુષ પોઈન્ટ પાસે રહેતા સુરેન્દ્ર વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 500ના દરની 7 બનાવટી નોટ કબજે કરી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તે ફર્નીચરના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જણાયું હતું. આ ચલણી નોટ પંજાબના લુધિયાણાથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી.
આરોપીએ જણાવ્યું હતું કે, તે યુ ટ્યુબ પર રીલ્સ જોઈ રહ્યો હતો. આ દરમિયાન ડુપ્લીકેટ નોટ અંગે રીલ્સ જોવા મળી હતી. જેમાં કોમેન્ટ કરીને સંપર્ક કર્યો હતો. બાદમાં 1500 રૂપિયામાં 500ના દરની 10 નોટ એટલે કે, 5 હજાર નકલી રૂપિયા લુધિયાણા ખાતેથી લઇ આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી આ તમામ નોટ ડુપ્લીકેટ હોવાનું જાણવા છતાં પણ ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના ઇરાદે આ તમામ નોટો માર્કેટમાં ફેરવવાની ફિરાકમાં હતો. જેથી પોલીસે સુરેન્દ્ર વિશ્વકર્માની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 3500ની ચલણી નોટો કબજે લીધી છે.
મામલો ગંભીર હોવાથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી અને પોલીસની એક ટીમ પંજાબના લુધિયાણા ખાતે ગઈ હતી. ત્યાંથી નકલી બનાવનાર રાહુલ મોહિન્દર મલિકને પણ 500ના દરની 45 બનાવટી ભારતીય ચલણી નોટ સાથે ઝડપી પાડ્યો હતો. ઉપરાંત પોલીસે નકલી નોટ છાપવા માટેના સાધનો પણ મળી આવ્યા હતા.સુરત પોલીસ આ રેકેટના મુળિયા હજુ કેટલા ઊંડા છે તેની વધુ તપાસમાં લાગી છે.