Mysamachar.in-જામનગર:
સમગ્ર ગુજરાતની માફક જામનગરમાં પણ અકસ્માતોની સંખ્યા મોટી રહે છે. વાહનો બેફામ દોડી રહ્યા છે. નિર્દોષ જિંદગીઓ કચડાઈને મોતને ભેટી રહી છે. અકસ્માતો નિવારવા થતી કામગીરીઓ અને કાર્યવાહીઓ અસરકારક સાબિત થઈ રહી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર આસપાસ વાહનોની અવરજવર નોંધપાત્ર હોય છે. બે મહાકાય ઉદ્યોગ છે અને દ્વારકા જતાં વાહનોની અવરજવર પણ મોટી હોય છે. આ સ્થિતિઓ ધ્યાનમાં લઈ અહીં સત્તાવાળાઓએ વિશેષ પ્લાન અમલમાં મૂકવો જોઈએ. અહીં વાહનોને કારણે સરકારને કમાણી પણ મોટી મળી રહી છે.
દરમ્યાન, જામનગર RTO દ્વારા કેટલાંક આંકડા જાહેર થયા છે. આ કચેરીએ જાન્યુઆરી-નવેમ્બર,2025 ના સમયગાળામાં કુલ 129 લોકોના ડ્રાઈવીંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. મહિને એવરેજ 10 લાયસન્સ સસ્પેન્ડ થઈ રહ્યા છે. 3 દિવસે 1 લાયસન્સ સસ્પેન્ડ થાય છે. ફેબ્રુઆરી, એપ્રિલ, મે અને ઓક્ટોબરમાં આ આંકડો નાનો છે. સૌથી વધુ કામગીરીઓ જાન્યુઆરી, જૂલાઈ, ઓગસ્ટ અને નવેમ્બરમાં થઈ છે. સૌથી વધુ લાયસન્સ ઓગસ્ટમાં સસ્પેન્ડ થયા અને સૌથી ઓછા મે માસમાં. ઓગસ્ટમાં તહેવારો અને જાહેર રજાઓ હોય છે, મે માસમાં આકરો તાપ હોય છે.


