Mysamachar.in-જામનગર:
ખાણીપીણીની લારીઓ પર માણસ ખાવાપીવામાં એટલો તલ્લીન થઈ જાય કે, તેનું ખિસ્સુ કોઈ ‘સાફ’ કરી જાય, ત્યાં સુધી તેને કશી ખબર રહેતી નથી ! લંડનનિવાસી એક વૃદ્ધ સાથે જામનગરમાં આવું બન્યું છે- એમ આ વૃદ્ધે પોલીસમાં લખાવ્યું છે.
લંડનમાં વસવાટ કરતાં અને હાલ જામનગરમાં હાટકેશ સોસાયટીમાં રહેતાં 62 વર્ષના એક વૃદ્ધે આ ફરિયાદ દાખલ કરાવી છે. તેમનું નામ વિજયભાઈ મગનલાલ ભારદીયા છે અને સુથારીકામ કરે છે. તેમણે પોલીસમાં એમ જાહેર કર્યું કે, તેમના ખિસ્સામાંથી એક શખ્સ હજારો રૂપિયા સેરવી ગયો.
વિજયભાઈએ પોલીસમાં એમ જાહેર કર્યું છે કે, મેં રણજિત રોડ પરની એક બેંકમાંથી મારી રૂ. 34,000ની રકમ વિથ-ડ્રો કરી, પેન્ટના પાછળના ખિસ્સામાં રાખી હતી. અને બાદમાં, લીમડાલાઈન અને લાલબંગલા રોડના જંકશન પર, ચાર રસ્તા પાસે નાસ્તાની એક રેંકડી પર હું ગયો. હું ત્યાં પકોડા ખાઈ રહ્યો હતો ત્યારે, આશરે 25/30 વર્ષનો એક શખ્સ, મારાં પેન્ટના પાછળના ખિસ્સામાંથી રૂ. 34,000ની રકમ સેરવી ગયો. આ વૃદ્ધે પોલીસમાં એમ પણ જાહેર કર્યું કે, તે આ શખ્સને જોયે ઓળખે છે.
આ બનાવ ગઈકાલે બપોરે સાડાબાર વાગ્યા આસપાસ બનેલો જે અંગે ગત્ રોજ સાંજે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. લંડનના આ વૃદ્ધને હાલ આ પકોડા રૂ. 34,000માં પડ્યા ! ખિસ્સું હળવું થઈ ગયું.























































