Mysamachar.in:ભુજ
આજના સમયમાં દરેકને ઝડપથી પૈસા વાળું થવું છે અને તેના માટે જે કોઈ શોર્ટકટ અપનાવવો પડે તે અપનાવે છે, આવો જ શોર્ટકટ અપનાવવા ગયેલ ભુજના એક છકડોચાલકને તેની ચાલાકી ભારે પડી છે અને તે પોલીસ સકંજામાં આવી ચુક્યો છે, વાત છે ભુજના નખત્રાણાની જ્યાં એક છકડાચાલક યુવાને પ્રિન્ટર ખરીદી નોટ છાપવાનું શરૂ કર્યું અને રૂ.10,20 અને 50 ની નકલી નોટ છાપી બજારમાં ફરતી કરી દીધી હતી અને 100 રૂપિયાની નોટ છાપવાનું શરૂ કરતો હતો ત્યારે પોલીસે તેને બાતમીને આધારે ઝડપી લીધો છે.ભુજ એલસીબીએ નખત્રાણાની દેવાશિષ હોસ્પિટલ પાછળ સુરલભીટ વિસ્તારમાં રહેતાં શ્રવણ લંબાભાઈ મલ નામના યુવકને નકલી નોટ છાપતા ઝડપી લીધો છે.તેની પાસેથી 10,460 રૂપિયાની નકલી ચલણી નોટો કબ્જે કરાઈ છે.
પૂછપરછમાં જાણવા મળ્યું કે, યુટ્યુબ પર નકલી ચલણી નોટ છાપવાની પ્રક્રિયાનો વીડિયો જોઈ આરોપીએ નવું સ્કેનર કલર પ્રિન્ટર ખરીદયું હતું. અસલી નોટને સ્કેન કરી શરૂઆતના તબક્કે દસ, વીસ અને પચાસ રૂપિયાની નકલી નોટોની પ્રિન્ટ છાપી હતી. આ નોટો પહેલાં એક બે અસલી નોટ રાખીને માર્કેટમાં વટાવી હતી.પ્રથમ છકડામાંથી કેટલીક નકલી નોટ કબ્જે કર્યાં બાદ એલસીબીએ ઘરે રેઈડ કરતા અન્ય નોટ મળી હતી. ત્યારે અન્ય દરની નોટો સાથે 100ના દરની 85 નકલી ચલણી નોટ પણ મળી આવી હતી.આરોપી પાસેથી 50ના દરની 33, 20ના દરની 11, 10ના દરની 9 નોટની સાથે પ્રિન્ટર, મોબાઈલ ફોન, છકડો,કાગળ વગેરે મુદ્દામાલ કબ્જે કરાયો છે તેની સામે નખત્રાણા પોલીસમા ફરિયાદ દાખલ કરાવી કેટલા સમયથી આ છકડોચાલક આ રીતે નકલી ચલણી નોટો છાપતો તેની તપાસ આદરી છે.