Mysamachar.in-ગાંધીનગરઃ
છેલ્લા કેટલાક સમયથી ટિકટોક અને યુટ્યૂબની ભારે બોલબાલા છે, યુવાધન વધુ લાઇક અને ફોલોઅર્સ વધારવા માટે ગાંડા બન્યા છે. જેમાં કેટલાક યુવકો વિદેશી યુવાનોનો આંધળો અનુગ્રહ કરી જાહેરમાં ન કરવાની હરકતો કરવા લાગ્યા છે, પરંતુ આ હરકત તેમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. આવું જ બન્યું છે ગાંધીનગરમાં જ્યાં કેટલાક યુવકો રસ્તામાંથી પસાર થતા લોકોને ડરાવીને વીડિયો પ્રેન્ક કરી રહ્યાં હતા, આ દરમિયાન PGમાં રહેતી એક યુવતી ત્યાંથી પસાર થઇ તો આ યુવકોએ યુવતીને વિગ પહેરાવી વીડિયો બનાવી લીધો. ગુસ્સે થયેલી યુવતીએ 181 અભયમની મદદથી યુવકને પોલીસ હવાલે કર્યો હતો.
વિગત એવી છે કે સેક્ટર-27માં એક હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી યુવતી સાંજના સમયે ઝેરોક્ષ કરવાર્થે બહાર નીકળી હતી, આ દરમિયાન રસ્તામાં એક યુવકે તેને આંતરી અને પોલીસ સ્ટેશનનું એડ્રેસ પુછ્યું જેવી યુવતી એડ્રેસ જણાવવા લાગી તો યુવકે યુવતીના માથામાં વિગ પહેરાવી દીધી.યુવકની હરકતથી ડરેલી યુવતીએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકત્રિત થઇ ગયા અને યુવકને પકડી લીધો, તો યુવકની સાથે વીડિયોગ્રાફી કરતાં અન્ય યુવકો ફરાર થઇ ગયા હતા. યુવકે જણાવ્યું કે તે પ્રેન્ક કરી રહ્યો હતો, જો કે યુવતીએ જાણ કરતાં 181 અભયમની ટીમના કાઉન્સિલર આવી પહોંચ્યા હતા. બાદમાં યુવતીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે યુવકની અટકાયત કરી હતી.