Mysamachar.in: રાજકોટ
સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં દિવસને દિવસે ગુન્હાખોરીની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે, એવામાં સામે આવી છે એક એવી ઘટના જે ચોકાવનારી છે, રાજકોટમાં પત્નીની હત્યા નિપજાવ્યા બાદ હત્યારા પતિએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યુ હતું કે, ‘મારીપત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી, ક્યાં હાજર થાઉં.’પોલીસ કન્ટ્રોલ રૂમ પર શુક્રવારની મધરાતે એક યુવકનો ફોન આવ્યો હતો. જેમાં યુવકે ફોન પર કહ્યુ હતું કે, ‘મારી પત્ની ચારિત્રહીન છે તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે. ક્યા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં.’ આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સાથે કન્ટ્રોલ રૂમમાં દોડાદોડ થઈ ગઈ હતી. યુવકે પોલીસને સરનામુ પણ આપ્યુ હતું. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
યુવકે પોલીસને ઘંટેશ્વર એસઆરપી કેમ્પ વચ્ચે પોલીસને જવાનુ કહ્યુ હતું. યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના ફોજદાર ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં પહોંચતાં જ પોલીસની સાથે ગયો હતો અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરું સ્થળ પર લઇ જઈ તેની પત્ની નેહાની લાશ પોલીસને બતાવી હતી.પોલીસ તપાસમાં આરોપી પતિએ પત્નીના ચરિત્રથી કંટાળીને તેને પતાવી દીધાની સનસનીખેજ કબૂલાત આપી હતી. યુવકનું નામ શૈલેષ ભૂપતભાઈ પંચાસરા હોવાનું સામે આવ્યુ હતું. જેને કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને પત્નીની હત્યા કરી હોવાનુ કબૂલ્યુ હતુ. શૈલેષ પંચાસરા ડ્રાઈવિંગનુ કામ કરે છે. તેણે પાંચ વર્ષ પહેલા નેહા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં બે વર્ષની દીકરી છે. લગ્ન બાદ નેહાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ અવારનવાર તેમની વચ્ચે ઝઘડા થતા હતા. આખરે શુક્રવારની રાત્રે મનહરપુરાના ઘરે તેણે પત્ની નેહાના પેટમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. પોલીસે સમગ્ર મામલે પતિ શૈલેષ સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. અને ખરેખર જ કારણ કે પછી અન્ય કોઈ કારણ તે અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.