Mysamachar.in-રાજકોટ
રાજકોટમાં નશીલા પદાર્થની હેરાફેરી માટે અજીબ કીમિયો કરતો એક શખ્સ ઝડપાયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે માલિયાસણ પાસેથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. જેની પૂછપરછમાં તેણે નશીલા પદાર્થની હેરાફેરી માટે એક અલગ કીમિયો વાપર્યો હતો. જે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રામનાથપરામાં રહેતાં વસીમ મુલતા ની ક્રાઇમ બ્રાન્ચની ટીમે બ્રાઉન સ્યુગર મનાતા શંકાસ્પદ પદાર્થ સાથે પકડી લીધો છે. આ પદાર્થ ખરેખર શું છે? તે જાણવા એફએસએલમાં પરિક્ષણ માટે મોકલાયો છે.
નશાખોરો અને આવા પદાર્થ વેચનારા વ્યક્તિઓએ રાજકોટથી ચપ્પલ પહેરીને રાજસ્થાન જવાનું હોય છે. ત્યાં જઇ પહેરેલા ચપ્પલ ફેંકી દઇ શંકાસ્પદ પદાર્થ આપનારા જે ચપ્પલ આપે તે પહેરીને આવી જવાનું હોય છે. આ ચપ્પલની સગથરી ઉંચકાવી તેની અંદર પદાર્થ છુપાવી ગુંદરથી ફરી ચોંટાડી દેવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વસીમને પકડી તેનું ચપ્પલ કબ્જે કર્યુ છે. જેમાં 103.650 ગ્રામ શંકાસ્પદ પાવડર છુપાવેલો હતો. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ એનડીપીએસ હેઠળ ગુનો દાખલ થશે.