Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત વિધાનસભા હવેનાં સમયમાં પેપરલેસ બનવા તરફ ગતિ કરી રહી છે. ગૃહની પ્રશ્નોત્તરી સહિતની તમામ કામગીરી ઓનલાઇન ગોઠવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિધાનસભાની વેબસાઈટ અપડેટ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મતદારો માટે સારાં સમાચાર એ છે કે, વિધાનસભાની વેબસાઈટ આ રીતે અપડેટ થયા પછી કોઈ પણ વ્યક્તિ પોતાના મતવિસ્તારના ધારાસભ્ય અથવા રાજ્યનાં કોઈ પણ મંત્રીને ઓનલાઇન પ્રશ્ન પૂછી શકશે. અને સમગ્ર વ્યવસ્થા ઓનલાઇન હોવાથી ધારાસભ્ય અને મંત્રીઓએ લોકોનાં આ પ્રશ્નોનાં જવાબો આપવા પણ પડશે. વેબસાઇટને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે. સંભવતઃ સપ્ટેમ્બર સુધીમાં આ વ્યવસ્થા ઓનલાઇન થઈ જશે.
જનપ્રતિનિધિઓ અને મતદારો વચ્ચે સીધો સંપર્ક શક્ય બને અને જરૂરી વિગતો લોકો સુધી પહોંચાડવા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં તમામ ધારાસભ્યોએ લેખિતમાં પ્રશ્નો પૂછવા પડે છે, તેઓએ પણ આગામી સમયમાં ઓનલાઇન પ્રશ્નો પૂછવાના રહેશે. ગૃહમાં કયા ધારાસભ્યએ કયા વિભાગનો શું પ્રશ્ન પૂછ્યો ? સંબંધિત મંત્રીએ શું જવાબ આપ્યો ? વગેરે બાબતો લોકો ઓનલાઇન જોઈ વાંચી શકશે. વિધાનસભામાં થતી પ્રશ્નોત્તરીથી માંડીને તમામ કામગીરી જીવંત પ્રસારણ માફક તમે ઘરે બેઠા ઓનલાઈન જોઈ શકશો. વિધાનસભાનાં તમામ દસ્તાવેજો ઓનલાઇન થશે. આગામી સપ્ટેમ્બરમાં વિધાનસભાનું બે દિવસનું સત્ર યોજાશે. સંભવતઃ ત્યારથી જ, આ ઓનલાઈન વ્યવસ્થા અમલમાં આવી જશે – એમ સૂત્રો જણાવે છે.