Mysamachar.in-વડોદરા
વડોદરા પોલીસને હાથ સાંસી ગેંગની મહિલાઓ ઝડપાઈ છે, આ મહિલાઓ રાજયના જુદા જુદા જિલ્લાઓમાં જઈ અને સાડી વેચવાના બહાને ફરતી અને બેંક, પોસ્ટ ઓફીસ કે એટીએમની બહાર રેકી કરી લોકોને છેતરતા અને પૈસા પતિના બેંકના ખાતામાં જમા કરાવી દેતી હતી. દિવસે સાડી વેચીને રાત્રે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં ખુલ્લામાં સુઇ જતી હતી. ઠગાઇ કરી શહેર છોડીને જતી રહેતી હતી.
મધ્ય પ્રદેશની મહિલાઓની સાંસી ગેંગને કઠલાલથી ઝડપી લીધી હતી. તાજેતરમાં સાવલીમાં એસબીઆઇ બેંક બહાર વૃદ્ધને 2 મહિલાઓએ સરનામું પુછવાના બહાને નજર ચુકવી અન્ય 2 મહિલાની મદદથી વૃદ્ધની કાપડની થેલીને કાપી નાંખી તેમાંથી 1.40 લાખની રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, આ મહિલાઓ એમપીના રાજનગર જીલ્લાના કડીયા સાંસી ગામની છે અને તેઓ સાડી વેચવાના બહાને અલગ અલગ શહેરોમાં ફરીને રેકી કરીને બેંક તથા પોસ્ટ ઓફિસમાં તથા એટીએમમાંથી નાણાં લઇને નિકળતા ગ્રાહકોને છેતરી અથવા નજર ચુકવી છેતરપીંડી કરે છે.
દરમિયાનમાં આ ગેંગ કઠલાલમાં હોવાની બાતમીના મળતા પોલીસે સાવલીની બેંકના સીસીટીવી માં જોવા મળેલી ચાર મહિલા જેવી જ લાગી હતી. પોલીસે એકતાબાઇ સંજય સાંસી, ગુંજાબાઇ મનદીપ સાંસી, બિંદુ પરવત સાંસી તથા રાજકુમારી ઉર્ફે કામીબાઇ ભગવાનસિંહ સાંસીની અટકાયત કરી પુછપરછ કરતાં તેઓ આ એમઓથી ઠગાઇ કરતી હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી આ મહિલાઓની સાંસી ગેંગ વડોદરા ઉપરાંત અમદાવાદ, ભરુચ, ગાંધીનગર, જામનગર, પંચમહાલ ગોધરા, રાજકોટ અને ખેડા તથા મહેસાણા અને રાજપીપળામાં સક્રીય હતી.