Mysamachar.in-રાજકોટઃ
રાજકોટમાં ત્રણ દિવસ પહેલા મળી આવેલા હત્યા કરાયેલા મૃતદેહનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. જેમાં પત્નીએ પ્રેમી પાસે ક્રૂરતાપૂર્વક પોતાના જ પતિની હત્યા કરાવી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. ત્રણ દિવસ પહેલા કોઠારિયા સોલ્વન્ટ પાસે ગળા પર ઇજાના નિશાન સાથે એક મૃતદેહ પડ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. તપાસ કરતાં આ મૃતદેહ પરેશ ઉર્ફે પવો નાથાભાઈ ગોહેલનો હોવાનું જાણવા મળ્યું ત્યારબાદ મૃતક યુવકના ભાઇની ફરિયાદ આધારે પોલીસ તપાસ કરતા સમગ્ર મામલે પોલીસને ચોંકાવનારી વિગતો હાથ લાગી છે.
મૃતક પરેશ પત્ની અને બે બાળકોથી અલગ બાજુના મકાનમાં માતા સાથે રહેતો હતો. પરેશને દારૂ પીવાની ટેવ હતી જેથી તે અવાર નવાર પત્ની કિરણ અને બાળકોને માર મારતો હતો. આ દરમિયાન કિરણનો સંપર્ક મયુર નામના વ્યક્તિ સાથે થતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં કિરણે પ્રેમી મયુરને કહ્યું કે તે તેના પતિ પરેશથી કંટાળી ગઇ છે આથી તેનો કાંટો કાઢવા કહ્યું. પ્રેમમાં અંધ મયુર કિરણની વાતમાં આવી ગયો અને તેણે પરેશને અવાવરુ જગ્યાએ લઇ જઇ ગળે ટૂંપો દઇ હત્યા નીપજાવી, આ દરમિયાન કિરણે ફોનમાં મયુરને કહ્યું કે 'તું જ્યારે મારા પતિનું ખૂન કરે ત્યારે તેની મરણચીસો મને સંભળાવજે જો તું નહીં મારે તો આપણને બંનેને એ મારી નાખશે'. બાદમાં કિરણે પોલીસ સમક્ષ જણાવ્યું કે ત્રાસ ગુજારતો હોવાથી પોતે અને બાળકોએ પતિ પરેશના હાથ,પગ પકડી રાખ્યા હતા અને દિયરે ગળુ દબાવી દીધું હતું. હત્યા કર્યા બાદ દિયર લાશને બાઈકમાં લઈ જઈ ફેંકી આવ્યા હતા. જો કે પોલીસને મુખ્ય સૂત્રધાર પત્ની હોવાની શંકા જતાં તેની કડકહાથે પુછપરછ કરતાં પત્ની કિરણ ભાંગી પડી અને તેણે કબૂલ્યું કે પ્રેમી મયુર સાથે મળી પતિ પરેશની હત્યા કરાવી છે.