Mysamachar.in-ગાંધીનગર:
જામનગર હોય કે જસદણ, અમદાવાદ હોય કે પછી અંકલેશ્વર – સમગ્ર રાજ્યમાં આત્મહત્યાઓનાં બનાવો પુષ્કળ નોંધાઈ રહ્યા છે ! સમૃદ્ધ લેખાતા ગુજરાતમાં આમ કેમ ?! આપઘાત કરી લેનારાં લોકો પૈકી ઘણાં લોકો પોતાના અંતિમ બયાન તરીકે પોતાનાં દિલની વાત કાગળનાં એક કટકા પર કે બે ચાર પેઈજ પર લખી જતાં હોય છે. જેને કાયદાની પરિભાષામાં સુસાઈડ નોટ કહે છે. આ નોટ આપઘાત કરી લેનારની મોત પહેલાંની જિંદગી વિશે કાંઈક પ્રકાશ પાડતી હોય છે. અને આ નોટ પછી, સંબંધિત વ્યક્તિનાં પરિવાર પર અંધારું છવાઈ જતું હોય છે – આ નોટ લખનાર કાયમ માટે દુનિયા છોડી જતું રહે છે !
આ પ્રકારની સુસાઈડ નોટ્સનો અભ્યાસ થયો છે. પાટનગર ગાંધીનગરમાં ડીરેકટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ નામનો સરકારનો એક વિભાગ છે. જે મોતની વૈજ્ઞાનિક તપાસ કરે છે. તથ્યોને તપાસે છે. પુરાવાઓ એકત્ર કરે છે. જો કે અસંખ્ય આપઘાત એવાં પણ હોય છે, જેમાં મૃત્યુને કાયમ માટે અપનાવી લેનાર વ્યક્તિ જિંદગીનાં અંતે, કશું કહેવા કે લખવાનો મૂડ ધરાવતી નથી ! તેઓ મૂંગા મોઢે કાયમ માટે મૂંગા થઈ જાય છે ! તેઓની જિંદગી અને મોત અંગે પછી બિનસત્તાવાર વાતો થતી રહે છે.
DFS નામનાં આ વિભાગે કુલ 200 સુસાઈડ નોટ્સનો અભ્યાસ કર્યો. જે પૈકી 73 ટકા નોટ પુરૂષોની છે અને 27 ટકા નોટ મહિલાઓની છે. મહિલાઓ જિદગીની અંતિમ ક્ષણે પણ કશું કહેવા નથી ઇચ્છતી ?! આઘાત વધુ ગંભીર હોય છે ?! લાંબામાં લાંબી સુસાઈડ નોટ 21 પેઈજની મળી છે, ટૂંકામાં ટૂંકી અડધિયા પાનાંમાં માત્ર ચાર લીટીની ! જિંદગી અથવા મોતને ચાર લીટીમાં સમેટી લેવું — અઘરૂં હોય છે !
આ 200 સુસાઈડ નોટ્સ પૈકી 89 ટકા નોટ્સ ગુજરાતીમાં લખાયેલી છે. 6 ટકા નોટ્સ હિન્દી અથવા ગુજરાતીમાં અને બાકીની 5 ટકા નોટ્સ મિક્સ ભાષામાં ! 50 ટકા કરતાં વધુ નોટ્સ આર્થિક બાબતોને લગતી છે. આર્થિક વ્યવહારોને લગતી છે જયારે બીજા ક્રમે છે ઘરેલું બબાલો. સમૃદ્ધ ગુજરાતમાં નાણું અથવા નાણાંનો અભાવ – મોતનું કારણ બની શકે છે, એવું આ નોટ્સ પરથી સમજાઈ છે !
આ 200 સુસાઈડ નોટ પૈકી 20 ટકા એટલે કે 40 સુસાઈડ નોટ્સ ઘરનાં સભ્યોને ઉદેશીને લખાયેલી છે. તાજેતરમાં ગુજરાતમાં આપઘાતનાં કેટલાંક કેસો, સુસાઈડ નોટ્સ નાં આધારે ઉકેલી પણ શકાયા છે. આરોપી અથવા આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે. ગુનાની તપાસ અને અદાલતી કાર્યવાહીમાં સુસાઈડ નોટ્સ બહુ અગત્યની હોય છે.
અભ્યાસનું તારણ એવું પણ છે કે, માત્ર 37 ટકા સુસાઈડ નોટ્સ એવી છે જેમાં પત્ની, પતિ, માતા જેવી કોઈ ચોક્કસ વ્યક્તિ પ્રત્યે મોત સંબંધે આંગળી ચીંધવામાં આવી હોય. એવું પણ જાણવા મળે છે કે, જે સુસાઈડ નોટ્સ બહુ લાંબી હોય છે તે પૈકી મોટાભાગની નોટ્સ નાણાંકીય બાબતો અંગે વિસ્તૃત રીતે કશું કહેતી હોય છે.