Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાનું વોટર વર્કસ તંત્ર, મોટેભાગે કાયમ ચર્ચાઓમાં રહેતું હોય છે. આ તંત્ર પોતાની શાખા હસ્તકના જૂના અને નવા કામોમાં કરોડો રૂપિયા પાણીની માફક વહાવે છે છતાં કામગીરીઓ અસરકારક અને પરિણામલક્ષી થતી નથી, એવો મત પણ સંખ્યાબંધ નગરજનો ધરાવે છે. ભૂતકાળમાં શહેરમાં ગેરકાયદેસર નળજોડાણો એટલે કે ભૂતિયા નળજોડાણોનો મામલો ખૂબ ગાજેલો. વર્ષો સુધી આ મામલો ચર્ચાઓમાં રહ્યા બાદ, કોર્પોરેશન સ્કીમ લાવ્યું હતું અને આવા જોડાણો પૈકી મોટાભાગના જોડાણ, નિયત ફી વસૂલી નિયમિત કરી આપ્યા. ત્યારબાદના સમયગાળામાં શહેરમાં આવા ગેરકાયદેસર નળજોડાણો ફરીથી મોટાં પ્રમાણમાં કાર્યરત થઈ ગયા! એવી જોરદાર ચર્ચાઓ છે, નલ સે જલ નામની યોજનાનો પ્રચાર અને વાતું કરે છે ત્યારે હકીકત એ પણ છે કે, આજની તારીખે શહેરના ઘણાં વિસ્તારોમાં ટેન્કરથી પાણી પૂરૂં પાડવા તોતિંગ રકમોનો ખર્ચ મંજૂર થાય છે. શહેરની હદ વધારવામાં આવી તેના દસ વર્ષ બાદ પણ, પાણી મુદ્દે સ્થિતિ સંતોષકારક નથી.
ભૂતિયા જોડાણોને કારણે, નિયમિત અને પ્રમાણિક કરદાતાઓએ સહન કરવાનો વારો આવે છે. શહેરને ફરતે સેંકડો સોસાયટીઓ અને ટાઉનશિપ વસી ગઈ છે જેમાં દોઢ-બે લાખથી વધુ નગરજનો વસવાટ કરે છે. આ બધાં જ શહેરીજનો કાયદેસરનું નળજોડાણ ધરાવે છે કે કેમ ? તેની કયારેય તપાસ થતી હોય, એવું જણાતું નથી. nશહેરના કેટલાંક જૂના વિસ્તારોને ફરતે નવા વિસ્તારો વિકસી ગયા છે, આવા વિસ્તારોમાં સ્થાનિક સ્તરે કેટલાંક ગફલા ચાલતાં હોય છે, કોઈ કેસમાં ઝોનલ અધિકારીને આખી વાત ધ્યાન પર આવે તો કાંઈક નવા જૂની થાય, બાકીના કિસ્સાઓમાં બધું બારોબાર ચાલતું રહેતું હોય છે. અને આવડત ધરાવતા કેટલાક ચોક્કસસ કર્મચારીઓ પોતાની કળાના ઓઝસ પાથરી અને કારીગીરી કરતા રહે છે.
-વોટર વર્કસના મુખ્ય અધિકારી કહે છે કે….
આ પ્રકારની વિચિત્ર સ્થિતિ હોવા અંગેની વિગતો બહાર આવતાં આ મુદ્દે Mysamachar.in દ્વારા, કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગના મુખ્ય અધિકારી નરેશ પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ આ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આગામી પંદરેક દિવસ બાદ શહેરના વોટર વર્કસના તમામ 13 ઝોનમાં સર્વે શરૂ કરવામાં આવનાર છે. કેટલી મિલકતો નળજોડાણ ધરાવતી નથી, ધરાવે છે અને કાયદેસર નળજોડાણ છે કે કેમ ? સહિતની બધી જ બાબતો તથા જેતે વિસ્તારોની પાણીની દૈનિક જરૂરિયાત સહિતની બાબતો અંગે જાણકારીઓ મેળવી તમામ લોકોને કાયદેસરના નળજોડાણ મારફતે પાણી વિતરણ થઈ શકે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવવા પ્રાથમિક અંદાજો એકત્ર કરવામાં આવશે.
કેટલાંક કિસ્સાઓમાં લોકો સ્થાનિક કર્મચારીઓ સાથે ગોઠવણ કરીને પાણીની મુખ્ય અથવા પેટા લાઈનમાંથી ગેરકાયદેસર રીતે નળજોડાણ મેળવી લે છે, એ મુદ્દા પર તેઓએ કહ્યું કે, સામાન્ય રીતે આવી બાબતોની ખબર જેતે વિભાગના ઝોનલ ઓફિસર પાસે પહોંચી જતી હોય છે અને પગલાંઓ પણ લેવાતાં હોય છે. તાજેતરમાં ગોકુલનગર વિસ્તારમાં નળજોડાણ બાબતે એક ગેરરીતિ ધ્યાનમાં આવતાં તે વાલ્વમેન તથા આસામીનો તમામ માલસામાન અને સાધનો વગેરે જપ્ત કરી, આ મામલામાં વધુ જાણકારીઓ મેળવવામાં આવી રહી છે અને આગામી સમયમાં સર્વે શરૂ થશે એટલે ઘણી બધી બાબતો અંગે અમો લેટેસ્ટ જાણકારીઓ મેળવી શકીશું.