Mysamachar.in:જામનગર
સમગ્ર દેશની સાથેસાથે જામનગરમાં પણ આવતાં વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ ચૂંટણી સમયે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓ તરીકે કોણ કોણ બેઠું છે ? એ પ્રશ્નનો જવાબ પણ રાજકીય નિરીક્ષકોની દ્રષ્ટિએ મહત્ત્વનો હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકામાં મેયર સહિતનાં વર્તમાન પદાધિકારીઓની ટર્મ આગામી 12મી સપ્ટેમ્બરે અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ સહિતનાં પદાધિકારીઓની ટર્મ 16મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહી છે. ટૂંકમાં, ગણતરીનાં દિવસોમાં સ્થાનિક રાજકારણમાં મોટાં પરિવર્તનો સર્જાવા જઈ રહ્યા છે. જેને લઈને છેલ્લાં કેટલાંક સમયથી શાસકપક્ષમાં જાહેર અને ખાનગી ગતિવિધિઓ તેજ બનેલી છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદ બળવતર હોવાથી સ્વાભાવિક રીતે જ જામનગર સહિતનાં સેન્ટરોમાં સ્થાનિક રાજકારણમાં આ ફેકટર પસંદગીકારોમાં પણ હાવી રહેતું હોય છે અને આ બંને સંસ્થાઓમાં પણ,આ વખતે પણ આ ફેકટર પર ઘણો દારોમદાર રહેશે એ નકકી છે. જો કે જામનગર મહાનગરપાલિકામાં તો મેયરપદ આગામી ટર્મ માટે SC અનામત જાહેર થઈ જ ચૂકયું છે એટલે પસંદગીકારો માટે આ પદ માટે ચોઈસ મર્યાદિત છે. ડેપ્યુટી મેયરપદ કોને આપવું ? એ વિષય થોડો ગૂંચવાડાવાળો રહેશે. તેની સામે સ્ટેન્ડિંગ ચેરમેનપદ ઘણી બધી રીતે સંવેદનશીલ મુદ્દો હોવાથી આ પદ માટેની લડાઈ સટોસટની બની છે. અને ચૂંટણીનાં સમયમાં આ પદ વધુ આકર્ષક બની જતું હોય છે. આ પદ મેળવવા માટે સંગઠનમાં જૂથવાદ પણ તીવ્ર હોય છે અને તેથી લોબિંગ પણ જબરું હોય છે.
કોર્પોરેશનમાં આ મુખ્ય ત્રણ પદ ઉપરાંત શાસકજૂથ નેતાનું તથા દંડકનું પદ ખાસ કોઈ મહત્વ ધરાવતું નથી પરંતુ સાચવી લેવા અને સમજાવી લેવા- આ પદોનો ઉપયોગ થતો હોય છે. જો કે તો પણ આ પદો માટે સૌ મહેનત તો કરતાં જ હોય છે. મુખ્ય ત્રણ પદોમાંથી બહાર રહી ગયેલાં પણ આ પદો માટે બધું જ જોર અજમાવી લેતાં હોય છે. આ પ્રકારની સ્થિતિને કારણે જામ્યુકોમાં તથા શહેર ભાજપામાં ઘણાં સમયથી સારી એવી રેસ જોવા મળી રહી છે. વળી તાજેતરમાં શહેરમાં વિવાદ પણ સર્જાયો હતો જેને કારણે છેલ્લી ઘડીએ ચિત્ર બદલી ગયાની પણ ચર્ચાઓ છે. આ ઉપરાંત પૂરી થઈ રહેલી ટર્મમાં શહેર સંગઠનની પ્રતિષ્ઠાને થોડી હાનિ અને ઘસારો પણ થયો હોય, નવી ટર્મમાં લોકસભા ચૂંટણી પણ આવતી હોય પસંદગીકારો વધુ ઝીણું કાંતશે એ સમજી શકાય.
જામનગર મહાનગરપાલિકામાં એક મુદ્દો એ પણ છે કે, હાલની સ્થિતિમાં પક્ષમાં વધુ નારાજગીઓ ન ફેલાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. કારણ કે નારાજ લોકો ચૂંટણી ટાણે નિષ્ક્રિય બનીને અથવા ધોકો પછાડીને કલર પણ દેખાડે તો ?! જો કે આ બધાં સંભવિત ભયસ્થાનો ટાળવા પક્ષ ખૂબ જ ગંભીર રીતે બધાં અભિપ્રાયો પર વિચાર તો કરશે જ પરંતુ શાસકપક્ષની એક સ્ટાઈલ રહી છે કે તેઓ ધાર્યું કરવાની અને કડક હાથે નારાજગીઓ દાબી દેવાની હથરોટી અને પરંપરા ધરાવે છે તેથી સૌએ પક્ષની શિસ્તમાં તો રહેવું જ પડશે- સિવાય કે, ખુલ્લો બળવો કરવાની કોઈની વ્યક્તિગત ક્ષમતા કે તૈયારીઓ હોય. જ્ઞાતિ અને જૂથનાં ફેકટરો હાલ મહત્વનાં દેખાઈ રહ્યા છે પરંતુ છેલ્લી ઘડીએ મોવડીમંડળ કડક વલણ અખત્યાર કરે એવું પણ બની શકે છે. ઘણી વખત એવું પણ બન્યું છે કે ચર્ચાઓમાં રહેલાં ચહેરાઓ લાંબા સમય સુધી સ્ટોર રૂમમાં મૂકી દેવામાં આવ્યા હોય. આ વખતે પણ એવું બની શકે અને કોઈ સાવ નિરુપદ્રવીઓને લોટરી લાગી જાય તથા મહત્વાકાંક્ષીઓને વેતરી નાંખવામાં આવે !
જામનગર જિલ્લા પંચાયતમાં પણ ધાર્યુ તો ધણીનું જ થશે, એક તો આ વખતે જીલ્લા પંચાયતમાં રોટેશન હજુ નકકી થઈ શકયું નથી. અને લોકસભા ચૂંટણી સમયે જિલ્લા પંચાયત બોડીનું મહત્વ વિશેષ હોય છે. વળી હાલની બોડી અઢી વર્ષ દરમિયાન કોઈ જ તેજસ્વિતા દેખાડી શકી નથી તેથી પણ મોવડીઓ ચિંતિત છે. અને ગ્રામ્ય સ્તરે પક્ષ પાસે કોઈ જબરાં નેતાઓ પણ નથી. તેથી મર્યાદિત ઉમેદવારોમાંથી જ પસંદગીઓ કરવાની રહેશે. એકંદરે આગામી ટર્મ શાસકપક્ષ માટે જિલ્લામાં વધુ ચિંતા ઉપજાવનારી લાગી રહી છે !