Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં જોડિયા તાલુકો રેતી ચોરી માટે કુખ્યાત બનતો જાય છે અને અત્યારસુધીમાં જામનગરનું ખનીજ ખાતું હોય કે સ્થાનિક તંત્ર તમામના પાપે જોડિયાની ધરતીને ખેદાન-મેદાન કરીને કરોડો રૂપિયાની રેતીની ખનીજ ચોરી કરીને ખુલ્લેઆમ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે,
જોડિયામા છેલ્લા ઘણા સમયથી ચાલતા રેતીની ખનીજ ચોરીના રેકેટ દરમ્યાન જામનગર ખાણ-ખનીજ ખાતા દ્વારા માત્ર કરવા ખાતર કાર્યવાહી કરીને જોડીયાના બાદનપર પાસે ઉંડ નદીમાંથી પાંચ રેતી ભરેલા ટ્રેક્ટર પકડીને માત્ર રિક્વેસ્ટ રેઇડ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે,અને આવી રીક્વેસ્ટ રેઇડ સમયાંતરે થતી રહી છે,
જામનગર ખાણ-ખનીજ ખાતું જોડિયામા ચાલતી રેતીની ખનીજ ચોરી મામલે પહેલેથી જ શંકાના દાયરામાં છે કેમ કે,બધા જાણે છે જોડીયામા રોજના અંદાજે ૧૦૦ જેટલા ટ્રેક્ટર,ડમ્પર મારફત ખુલ્લેઆમ રેતી ચોરી કરવામાં આવી રહી છે,તેની સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા માત્ર ૭ થી ૮ રેતી ભરેલા ટ્રેક્ટર પકડી લેતા શંકા જન્મે છે,વધુમાં જોડિયામા ચાલતા રેતીની ખનીજ ચોરીના તાર બહુ લાંબા હોય,જામનગરના ભાજપના એક કોર્પોરેટર,કહેવાતા પત્રકાર,અમુક સ્થાનિક ભાજપ-કોંગ્રેસના નેતાથી માંડીને જોડીયાના સ્થાનિક તંત્રની પણ સંડોવણીથી આખું રેતી ચોરીનું રેકેટ ચલાવવામાં આવે છે,તેમાં જામનગરના ખાણ-ખનીજ વિભાગની ભૂંડી ભૂમિકા હોવાનું પણ ચોરેને ચોટે ચર્ચાઈ રહ્યું છે,
એમ કહેવાય છે કે,જોડીયામાં રોજના અંદાજે ૧૦૦ જેટલા ટ્રેકટરો ખુલ્લેઆમ રેતી ચોરી કરવા પાછળ ટ્રેકટરદીઠ ૧૫ હજારનો હપ્તો ચૂકવાતો હોવાની ચર્ચા વચ્ચે લાખોના હપ્તાખોરી જામનગર સુધી પહોચતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે,
આમ જોડીયા તાલુકામાં માફ ન કરી શકાય તેવું ધરતી ને ખેદાન-મેદાન કરીને પાપ આચરીને ઉંડ સહીતની નદીઓમાંથી રેતી ચોરી કરીને પર્યાવરણને નુકશાન કરવામાં આવી રહ્યું છે.
રેતી ચોરીના પાપે CM કાર્યાલયમા એક સ્થાનિકે કર્યો હતો આપઘાતનો પ્રયાસ
જોડિયા અને ધ્રોલ તાલુકા આસપાસના વિસ્તારોમાં રેતી ચોરીનું એવું તો દુષણ ચાલે છે કે સ્થાનિક તંત્ર કોઈને ગાંઠતું જ ના હોય વારંવારની રજુઆતો છતાં કોઈ પગલા ન લેવાતા ધ્રોલના માવાપરના ભરવાડ યુવકે ગાંધીનગર CM કાર્યાલયમાં ઝેરી ટીકડા ખાઈને આપઘાતનો પ્રયાસ કરવાનો મામલો પણ ભારે ગુંજ્યો હતો.