Mysamachar.in-રાજકોટ
આજનો સમય સોશ્યલ મીડિયાનો સમય છે, સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો લોકો ઉપયોગ કરે છે, જે રીતે આ માધ્યમનો સારો ઉપયોગ છે, તેમ તેનો દુરુપયોગ કરનારાની સંખ્યા પણ મોટી છે, એવામાં રાજકોટ જીલ્લાનો એક વિચિત્ર કિસ્સો પોલીસ ચોપડે ચડ્યો છે, જેમાં સોશિયલ મીડિયામાં પોતાના ફોલોઅર્સ વધે તે માટે એક યુક્તિ અજમાવવી એક યુવકને ભારે પડી છે, જેમાં વીરપુરના શખ્સે ફોલોઅર્સ વધારવા માટે રાજકોટની સગીરાના નામનું ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવી તેમાં ફોટા પોસ્ટ કર્યા હતા. પોલીસે વીરપુરના શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
વાત કઈક એવી છે કે રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે વીરપુરના ભાવેશ કાળુ મકવાણાનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની 17 વર્ષની પુત્રી પોતાના મોબાઇલમાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વાપરે છે, ગત તા.13 સપ્ટેમ્બરના સગીરાના ધ્યાન પર આવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ પર તેના નામનું ફેક આઇડી બનાવવામાં આવ્યું છે અને તેના પર તેનો ફોટો પણ મુકવામાં આવ્યો છે, ફેક આઇડી બનાવનારે ઇન્સ્ટાગ્રામ પર ફોટા પણ પોસ્ટ કર્યા હતા.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે આ અંગે ગુનો નોંધી વીરપુર જઇ ભાવેશ કાળુ મકવાણાને ઝડપી લીધો હતો. પોલીસ સમક્ષ ભાવેશ કેફિયત આપી હતી કે, ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધે તે માટે સગીરાના નામનું ફેક આઇડી બનાવ્યુ હતું, ભાવેશે આ રીતે અન્ય કોઇ યુવતીના નામ કે ફોટાનો ઉપયોગ કર્યો હતો કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.