Mysamachar.in-રાજકોટ
કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન વચ્ચે ગરીબ પરિવારોને અન્ન અને ખોરાક માટે ભારે હાડમારી ભોગવવી પડી રહી છે. એવામાં સરકાર દ્વારા પણ જરૂરિયાતમંદ અને ચોક્કસમર્યાદામાં આવતા પરિવારોને મફત અનાજ આપવાની ગઈકાલથી શરૂઆત કરી છે, ત્યારે જરૂરિયાતમંદ લોકો સસ્તાઅનાજની દુકાનો પર અનાજ લેવા માટે રીતસરની પડાપડી કરતા હતા, ત્યારે એક દાણો અનાજની કિંમત શું હોય તે દ્રશ્યો રાજકોટ જામનગર હાઈવે પર જોવા મળ્યા….
રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલ નજીક એક ગરીબ પરિવાર અનાજ લઇને જતો હતો ત્યારે અચાનક ઘઉં ભરેલ બોરી નીચે પડી જતાં રસ્તા પર અનાજનો ઢગલો થઈ ગયો હતો. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે હાલની પરિસ્થિતિમાં અન્નનો એક એક દાણો ખૂબ મહત્વનો હતો. હાઈ વે પર પોતાના જીવની પરવાહ કર્યા વિના દંપતી પોતાના સંતાનને રસ્તાની એક બાજુએ ઉભો રાખી ખોબે ખોબે અનાજ એકત્ર કરતા આ દ્રશ્યો ભારે કરુણતાભર્યા હતા,
આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન મનોજ રાઠોડે આ દ્રશ્ય જોઈ તુરંત જ પોતાની કાર ઉભી રાખી વાહનોને રોક્યા હતા અને, પરિવારની મદદે દોડી જઇ તેમણે પણ આ પરિવારને અનાજ એકત્ર કરવામાં મદદરૂપ બન્યા હતા. આ ગરીબ પરિવારે મનોજ રાઠોડનો આંખમાં અશ્રુ સાથે બે હાથ જોડીને આભાર માન્યો હતો.પણ અન્નના એક દાણાની શું કિંમત તે આ ઘટના પરથી દરેકે સમજવા જેવું છે.

























































