Mysamachar.in-સુરેન્દ્રનગર:
કેન્દ્રીય એજન્સીઓ ED અને CBI છેલ્લા કેટલાંક સમયથી વારંવાર ગુજરાતની ‘મુલાકાત’ લઈ રહી હોય, એવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય કોઈ કારણસર ગુજરાત પર ફોક્સ કરી રહ્યું છે. જેના પરથી એવું દેખાઈ રહ્યું છે કે, ગુજરાતમાં અંદરખાને કંઈક મોટું ચાલી રહ્યું છે. તેની સાથેસાથે દર વખતે એમ પણ જોવા મળે છે કે, આ એજન્સીઓ દરોડા કાર્યવાહીઓ બાદ કોઈ જ સત્તાવાર માહિતીઓ જાહેર કરતી નથી. બધું જ સૂત્રોના હવાલે દોડાવવામાં આવી રહ્યું છે. આ પણ નોંધપાત્ર બાબત લેખાવી શકાય.
કેન્દ્રીય એજન્સી ED આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રાટકી છે. અહીં કલેક્ટરથી માંડીને સામાન્ય ક્લાર્ક સુધીના કર્મચારીઓ અને એક વકીલ ઉપરાંત એક ખાનગી વ્યક્તિ (સોની) સુધીના લોકો આ એજન્સીના ‘નિશાન’ પર હોવાની બિનસત્તાવાર વિગતો બહાર આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં સોલાર કંપનીઓ મોટાં પ્રોજેક્ટ ધરાવે છે. અને, સ્વાભાવિક રીતે જ આ તમામ પ્રોજેક્ટ માટે જિલ્લાના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં મોટાં સ્તર પર જમીન સંપાદન પ્રક્રિયાઓ થઈ છે. યોગાનુયોગ એ પણ છે કે, અહીંના કલેક્ટર દ્વારા થોડાં કલાકો અગાઉ જ કલેક્ટર કચેરી હસ્તકની બિનખેતી (N.A.)શાખાને વિખેરી નાંખવામાં આવી હોવાની વિગતો પણ હવે બહાર આવી.
દરમ્યાન, એક અહેવાલ એવો પણ છે કે, અમુક કલાકો અગાઉ ગાંધીનગરથી સુરેન્દ્રનગર એવો સંદેશ ગયેલો કે, તમારી કચેરી હસ્તક જે એક નાયબ મામલતદાર જમીનો સંબંધિત કામગીરીઓ કરી રહ્યો છે, તેને સસ્પેન્સન પકડાવી દો. અત્રે નોંધનીય છે કે, આ નાયબ મામલતદાર પાસે હાલ માત્ર આ હોદ્દાનો ચાર્જ છે, ખરેખર તો એ એક સામાન્ય કારકૂન છે.
આ કારકૂનનું નામ ચંદ્રસિંહ મોરી છે, જે સુરેન્દ્રનગરના વઢવાણમાં રહે છે. તેના ઘરે જ્યારે દરોડો પડ્યો ત્યારે, ત્યાંથી રૂ. 67.50 લાખની રોકડ રકમ મળી આવી. આથી આ રકમ શેની છે ? અથવા, લાંચની છે કે અપ્રમાણસરની સંપત્તિ છે કે કેમ ? તેની માહિતીઓ બહાર લાવવા ED દ્વારા આ રકમનો મામલો ગુજરાત ACBને હાલ તપાસ માટે સોંપી દેવામાં આવ્યો છે.
બિનસતાવાર રીતે એમ પણ જાહેર થયું કે, કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના સત્તાવાર નિવાસસ્થાન પર દરોડો પાડવામાં આવ્યો ત્યારે, ત્યાંથી એકસો જેટલી ફાઈલ મળી આવી. ધરેથી ‘વહીવટ’ ચાલી રહ્યો હતો કે આ ફાઈલો ઓફિસ સ્ટાફની પહોંચ બહાર રાખવા આ મોડસ ઓપરેન્ડી અજમાવવામાં આવેલી, તે વિગતો હવે તપાસમાં બહાર આવશે.
સૂત્રોના હવાલે કહેવામાં આવ્યું છે કે, આ આખો મામલો રૂ. 1,000 કરોડથી રૂ. 1,500 કરોડનો હોય શકે છે. અને, EDને આશંકા એવી છે કે, અહીં મની લોન્ડરિંગ થયું હોય શકે છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ અને લખતર સહિતના પંથકોની જમીનોના સંપાદનમાં કંઈક રંધાયુ હોય શકે છે.
કલેક્ટર ડો. રાજેન્દ્ર એમ.પટેલ આ અગાઉ સુરત મ્યુનિસિપલ કમિશનર હતાં. કલેક્ટર તરીકે અહીં સુરેન્દ્રનગરમાં તેમનું પ્રથમ વખત પોસ્ટિંગ થયું છે. આ મામલામાં કલેક્ટરના અંગત સચિવની પણ આકરી પૂછપરછ ચાલી રહી છે. કલેક્ટરના મોસાળ સહિતના સંબંધિતો ક્યાં રહે છે અને એ તમામ લોકેશનમાં કોની પાસે, કેટલી સંપત્તિઓ છે, વગેરે બાબતો પણ EDના રડાર પર હોવાનું જાણવા મળે છે. EDની આ કાર્યવાહીઓ સતત બે દિવસથી ચાલી રહી છે પરંતુ આ એજન્સીએ સત્તાવાર રીતે હજુ સુધી કોઈ જ વિગતો જાહેર કરી ન હોય, સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અધિકારી વર્ગમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.




















































