Mysamachar.in-જામનગરઃ
જામનગર સહિત રાજ્યભરમાં ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હાડ થીજવતી ઠંડીને કારણે લોકો તાપણાં કરવા મજબૂર બન્યા હતા. જામનગરમાં બુધવારે તાપમાનનો પારો ગગળીને 12 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જ્યારે મહત્તમ તાપમાન 24 નોંધાયું હતું. તો 7.5ની ઝડપે પવન ફૂંકાયો હતો અને હવામાં ભેજનું પ્રમણ 74 ટકા રહ્યું છે. રાજ્યની વાત કરીએ તો સૌથી ઓછું તાપમાન ભુજમાં 7 ડિગ્રી નોંધાયું છે. પાંચ શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેમાં કંડલામાં 9.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 8.6 ડિગ્રી, રાજકોટ 8.7 ડિગ્રી તાપમાન, નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન, મહુવામાં 11.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.5 ડિગ્રી તાપમાન તથા પોરબંદર અને ડીસામાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદ સ્થિત હવામાન વિભાગે બુધવારે એટલે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છમાં લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં હજુ 24 કલાક કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે. ઉત્તર ભારતમાં ઠંડીનો કેર યથાવત છે અને તાપમાનનો પારો દિવસે દિવસે નીચો જઇ રહ્યો છે. દિલ્હીની ઠંડીએ સોમવારે 119 વર્ષનો રેકોર્ડ તોડયો હતો જ્યારે મંગળવારે પણ તેવી જ સ્થિતિ જોવા મળી હતી. જ્યારે દિલ્હીમાં થોડી રાહત રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.