Mysamachar.in:ગાંધીનગર
મહોબ્બત હૈ કયા ચીજ ?! હમેં ભી સુનાઓ….એમ એક વેવાણે કહ્યું ! અને વેવાઈએ પ્રેમગીત ગાઈ દેખાડ્યું. આ કિસ્સો છે પાટનગર ગાંધીનગરનો. વેવાઈની વય 70 વર્ષ અને વેવાણને 67 રનિંગ….!! ગાંધીનગરમાં 70 વર્ષનાં એક વૃદ્ધ રહે છે. તેમને એક પુત્રી. પુત્રી પરણીને વિદેશ જતી રહી. આ નિવૃત્ત સરકારી અધિકારી, એકાકી જિંદગી જીવી રહ્યા હતાં. તે દરમિયાન તેઓ પુત્રીનાં સાસુ એટલે કે પોતાનાં વેવાણને ક્યારેક ક્યારેક મળતાં. તે દરમિયાન વેવાઈ અને વેવાણ વચ્ચે કોલ્સ અને વોટ્સએપ ચેટ તથા વીડિયો કોલ્સ શરૂ થયાં. વેવાણ પણ એકાકી જિંદગી જીવતાં હોય, વેવાઈ અને વેવાણ એકમેકની વધુ નજીક સરકયા. સામાજિક અને ધાર્મિક પ્રસંગો ઉપરાંત હવે તેઓ એકાંતમાં પણ મળવા લાગ્યા. તે દરમિયાન વેવાણના નાનાં પુત્ર સહિતનાં કેટલાંક સગાંસંબંધીઓને શંકા જતાં, વેવાણના નાનાં પુત્રએ પોતાના વૃદ્ધ માતાનો મોબાઈલ ચેક કર્યો. મોબાઈલમાં એ પ્રકારની વોટ્સએપ ચેટ મળી આવી કે, સંસ્કારી પરિવારો વેવાઈ અને વેવાણ વચ્ચેની આ પ્રકારની ચેટ સહન પણ ન કરી શકે !
આખરે સૌ સગાંસંબંધીઓએ ઘરમેળે આ બંને વડિલોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ઉપરછલ્લી સમજાવટ છતાં વેવાઈ અને વેવાણ વચ્ચે સંબંધ યથાવત્ રહ્યાની જાણ થતાં, વેવાણના નાનાં પુત્રએ વિદેશસ્થિત મોટાભાઈના સસરા અને પોતાની વૃદ્ધ માતા વચ્ચેનાં આ સંબંધને કાયમી મિટાવવા 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો.
બાદમાં, આ વૃદ્ધ પ્રેમીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. બંને પાસેથી લેખિતમાં બાંહેધરી લેવામાં આવી કે, આ સંબંધને અહીં જ પૂર્ણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રકરણ પાટનગરમાં ચોક્કસ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં સુરત અને જામનગરમાં પણ વેવાઈ અને વેવાણ વચ્ચેનાં રસપ્રદ કિસ્સાઓ જાહેર થયેલાં. એક અર્થમાં હવે આવા કિસ્સાઓ ઘણે અંશે નોર્મલ બની રહ્યા છે, છતાં ઘણાં બધાં લોકો હજુ પણ આ પ્રકારના કિસ્સાઓને અજબ પ્રેમ કી ગજબ કહાની તરીકે જોઈ રહ્યા છે.