Mysamachar.in: વડોદરા:
કાલે સોમવારે વડોદરા શહેરમાં લોકોએ રામ મહોત્સવ નિમિતે 35,000 કિલોગ્રામ ફૂલો ઉડાડયા એ સમાચારની સાથેસાથે, વડોદરાની બે દિવસ અગાઉની દુર્ઘટના સંબંધે વડી અદાલતમાંથી છૂટેલો આદેશ પણ ચર્ચાઓમાં છે. શહેરના તળાવમાં 12 ભૂલકાં અને 2 શિક્ષિકાના ડૂબી જવાથી થયેલાં મોતને કારણે હજુ પણ સંબંધિત પરિવારો હીબકાં ભરે છે, તે દરમિયાન વડી અદાલતે સરકારને જણાવ્યું છે કે, વડોદરામાં જે કંપાવનારી દુર્ઘટના બની છે તે સંબંધે સરકારે, ખાસ કરીને ગૃહ વિભાગે શી કામગીરીઓ કરી ? તે અંગેનું એફિડેવિટ અદાલતમાં ઝડપથી દાખલ કરવામાં આવે.
હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ અનિરૂદ્ધ માઈની ખંડપીઠે આ મામલો પોતાની રીતે કોઈ જ ફરિયાદ વિના, સુઓમોટો હાઈકોર્ટમાં હાથ ધર્યો છે. અને જણાવ્યું છે કે, વડોદરાની આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ અને પરેશાન કરનારી છે, આ સંબંધે સરકારે કરેલી અત્યાર સુધીની કાર્યવાહીઓ દર્શાવતું સોગંદનામું અદાલતમાં દાખલ કરવામાં આવે.
અદાલતે આ આદેશમાં કહ્યું: આ ઘટનાએ સરેરાશ નાગરિકને હચમચાવી મૂક્યો છે. એડવોકેટસ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ આ મામલો હાઈકોર્ટ સમક્ષ ઉઠાવ્યો છે. જેણે આ ઘટના સંબંધિત સમાચારો હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યા હતાં. અને આ સમાચારો જાણ્યા બાદ અદાલતે કહ્યું, આ તમામ સમાચારલેખની વિગતોની તપાસ કરવામાં આવશે.
અદાલતે કહ્યું : વડોદરાની આ દુર્ઘટના સૌથી દુઃખદ ઘટનાઓ પૈકીની એક છે. અને કોઈ પણ પ્રકારની બેદરકારીઓ ચલાવી લેવાય નહીં. અદાલતે વધુમાં કહ્યું: કાયદામાં સુરક્ષાઓનાં માપદંડ છે, તેનું પાલન કરીને આ પ્રકારની ઘટનાઓ પર સરળતાથી અંકુશ લાવી શકાય. હોડીમાં સવાર બાળકોને લાઈફજેકેટ આપવામાં આવ્યા ન હતાં એ સમાચારને પરેશાન કરનારા ગણાવીને અદાલતે કહ્યું, સુરક્ષાના માપદંડોનો ભંગ કરવામાં આવ્યો છે. આ પ્રકારની બેદરકારીઓ કોઈની પણ હોય, ચલાવી લેવાય નહીં.