Mysamachar.in-રાજકોટઃ
દીકરીઓની સુરક્ષા માત્ર કાગળ પર જ હોય એમ છાસવારે છેડતી અને દુષ્કર્મની ઘટના બની રહી છે, એટલું જ નહીં જાણે કે પોલીસનો કોઇ ખોફ જ ન હોય તેમ લુખ્ખા તત્વો બેફામ બની જાહેરમાં મારામારી કરી રહ્યાં છે, આવી એક ઘટનામાં રાજકોટમાં ક્રિસ્ટલ મોલમાં પરિવાર સાથે ફિલ્મ જોવા આવેલી કિશોરીની કેટલાક આવારા તત્વોએ છેડતી કરી હતી, એટલું જ નહીં છેડતી બાદ કિશોરીના પરિવારજનોએ ઠપકો આપતાં 20 જેટલા શખ્સોના ટોળાએ હુમલો કર્યો અને કિશોરીના માતા-પિતા અને ભાઇને ઢોર માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. તો આ અંગે યુવતીના પિતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની અરજી કરી છે. તો સામા પક્ષે મારામારી કરનારા શખ્સોએ પણ કિશોરીના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદની અરજી કરી છે. બાદમાં યુવતીના પિતાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે ઘટનાના 12 કલાક થઇ ગયા હોવા છતા પોલીસે ફરિયાદ નોંધી નથી. ઘટનાબાદ લોકોના ટોળે ટોળા ક્રિસ્ટલ મોલમાં ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ખુલ્લેઆમ દાદાગીરી અને તોડફોડની ઘટના સામાન્ય બની રહી છે એવામાં કાયદાવ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠ્યા છે.