Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પ્રવેશેલો ચાંદીપુરા નામનો રોગ હવે જામનગર સુધી પણ પહોંચી ગયો છે. જામનગર જિલ્લામાં પણ બે અલગ-અલગ તાલુકામાં આ રોગના લક્ષણો ધરાવતાં બે બાળકો મળી આવ્યા છે, જેમને હાલ શંકાસ્પદ કેસ જાહેર કરવામાં આવ્યા છે. આજે બપોરે આ સંદર્ભે જામનગરની જીજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ડીન અને જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક સાથે, કેબિનેટમંત્રી તથા શહેર ધારાસભ્યએ બેઠક યોજી હતી અને જરૂરી જાણકારીઓ પ્રાપ્ત કરી હતી તથા ઉપાયો અને સારવાર સંબંધિત ચર્ચાઓ કરી હતી.
માખી અને મચ્છર મારફતે આ ચાંદીપુરા વાયરસનું વહન થતું હોય છે. આ રોગ ચેપી નથી. રાજ્યમાં હાલ 27 શંકાસ્પદ કેસ છે, 15 બાળકોના મોત થયા છે. 27 પૈકી 24 બાળક ગુજરાતના છે, 3 બાળકના પરિવારો અન્ય રાજયમાંથી ગુજરાત આવ્યા છે. રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને અમદાવાદ સહિતના 13 જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ મળી આવ્યા છે, જેમાં જામનગરનો પણ સમાવેશ થાય છે.
આજે બપોરે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા શહેર ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ આ સંબંધે મેડિકલ કોલેજ ડીન ડો.નંદિની દેસાઈ તથા જીજી હોસ્પિટલ અધિક્ષક ડો. દીપક તિવારી સાથે જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી અને સારવાર વગેરે સંબંધિત વાતચીત કરી હતી.
કેબિનેટ મંત્રીના જણાવ્યા અનુસાર, જામનગરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે 9 માસથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં આ રોગ જોવા મળે છે. જેમાં બાળકને તાવ આવવો, ઉલ્ટી થવી વગેરે લક્ષણો જોવા મળતાં હોય છે. જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ અંગે તકેદારી તથા સારવાર વગેરે સંબંધે ડોક્ટરો સાથે વાતચીત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ચાંદીપુરા વાયરસ નામનો આ રોગ રાજ્યના 13 જિલ્લાઓમાં જોવા મળી રહ્યો હોય, સરકાર વતી આજે બપોરે આરોગ્યમંત્રી-પ્રવક્તા ઋષિકેશ પટેલ વીડિયો કોન્ફરન્સ યોજશે અને છેલ્લી સ્થિતિ તથા સરકારની આ માટેની તૈયારીઓ અંગે વિગતો આપશે.