Mysamachar.in-રાજકોટ
સોશિયલ મીડિયાના આજના આ જેટ યુગમાં સોશ્યલ મીડિયાના દુરુપયોગના કિસ્સાઓમાં સતત ને સાતત વધારો થઇ રહ્યો છે, અને તેમાં પણ મેટ્રોસીટીની તો વાત જ શું પૂછવી, રાજકોટમાં સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનનો દૂર ઉપયોગ કરી સગીરાઓ પાસેથી પૈસા પડાવવાના કિસ્સામાં પોલીસ બે શખ્સોને ઝડપી પાડ્યા છે, ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી સગીરાને પોતાની વાતોમાં ફસાવી સગીરાના બીભત્સ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી તોડ કરવાનો પ્રયાસ કરનારા હોટલ માલીકના પુત્ર અને તેના મિત્રને સાયબર સેલની ટીમે ઉઠાવી લીધા છે, થોડા દિવસો પૂર્વે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક અરજદારે અરજી આપી હતી તેમાં પોતાની સગીર વયની દીકરીના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી કોઇ અજાણ્યો શખ્સ આ આઇડી ડીલીટ કરવા અને આ શખ્સ પાસે રહેલા પોતાની દીકરીના બીભત્સ ફોટાઓ ડીલીટ કરવા માટે પૈસાની માંગણી કરે છે.
જે બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમે આ મામલે છટકુ ગોઠવી દોઢસો ફુટ રીંગ રોડ પર પૈસા લેવા માટે આવેલા 19 વર્ષના મીહીર કસુંદરાને પકડી લઇ પુછપરછ કરતા તેના મિત્ર યશ બાંભણીયાને પણ ઝડપી લીધો હતો. પોલીસે બંન્ને વિરૂધ્ધ આઇપીસી પોકસો એકટ તથા આઇટી એકટ હેઠળ ગુનો દાખલ કરી બંન્નેની ધરપકડ કરી હતી. પકડાયેલા યશ અને મીહીર હોસ્ટેલમાં રહી સાથે અભ્યાસ કરતા હતા તેથી બંન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. જેમાં યશ અલગ-અલગ નામે ઇન્સ્ટાગ્રામ ફેક આઇડી બનાવી યુવતીઓ સાથે મીઠી વાતો કરી મિત્રતા કેળવી બાદમાં યુવતીઓના નામથી ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી અને યુવતી અથવા સગીરાના બીભત્સ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપતો અને તે આઇડી ડીલીટ કરવા માટે પૈસાની માંગણી કરતો હતો અને મીહીર પૈસા લેવા માટે જતો હતો. હાલતો પોલીસે બંને ની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે અને સાથેજ આ બંને શખ્સો એ અન્ય કેટલી સગીરાઓ કે યુવતીઓને પોતાની જાળમાં ફસાવી છે કે તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.