Mysamachar.in: જામનગર
જામનગરમાં વીજકંપની દ્વારા ઘરેઘરે સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે, તે દરમિયાન જામનગરની એક ગ્રાહક સંસ્થાએ ફરી એક વખત આ સ્માર્ટ વીજમીટર અંગે રજૂઆત કરી છે અને લડત આગળ વધારવા જાહેરાત કરી છે ત્યારે બીજી તરફ તંત્ર આ સ્માર્ટ વીજમીટરને સંપૂર્ણ ઓકે લેખાવે છે. આમ એક જ નવી વ્યવસ્થા અંગે બે અલગ મત બહાર આવી રહ્યા છે, જો કે સતાવાર રીતે આ વીજમીટરને સંપૂર્ણ સલામત લેખાવવામાં આવે છે.જામનગરની સંસ્થા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આ વીજમીટર અંગે પીજીવીસીએલની રાજકોટ કચેરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે જામનગર વીજકચેરીના અધિક્ષક ઈજનેરે કહ્યું છે કે, અમોને પણ આ રજૂઆત અંગે જાણ છે. પરંતુ ચિંતાનું કોઇ કારણ નથી.

ગ્રાહક સંસ્થાએ આ રજૂઆતમાં એમ જણાવ્યું છે કે, આ સ્માર્ટ વીજમીટર અધિક્ષક ઈજનેરના નિવાસસ્થાને પણ લગાવવામાં આવ્યું છે. ત્યાં અન્ય એક સાદું વીજમીટર પણ લગાવવું જોઈએ. અને બન્ને વીજમીટરની દૈનિક વપરાશ અંગેની વાસ્તવિકતા મીડિયાકર્મીઓ સમક્ષ ધારાસભ્યની ઉપસ્થિતિમાં જાહેર કરવી જોઈએ. આ ઉપરાંત વીજચોરીવાળા વિસ્તારના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સામે કામ ચલાવવા, તેઓની સંપત્તિની તપાસ કરવા અંગે પણ રજૂઆત થઈ છે.
આ ઉપરાંત આ સંસ્થાએ મફત કાનૂની સલાહ કેન્દ્રના ચેરમેનને રજૂઆત કરી, સ્માર્ટ વીજમીટર અંગે કાનૂની કાર્યવાહીઓ માટે સંસ્થાને વકીલોની પેનલ ફાળવવા માંગ કરી છે. સંસ્થાએ દાવો દાખલ કરવા અથવા જાહેર હિતની અરજી કરવા અંગે પણ સંકેત આપ્યો છે. જો આમ થઈ શકશે તો આગામી દિવસોમાં સ્માર્ટ વીજમીટર વ્યવસ્થાને કાનૂની પડકાર મળી શકે છે.

આ સમગ્ર મામલે Mysamachar.in દ્વારા વીજતંત્રના અધિક્ષક ઈજનેર યશપાલસિંહ જાડેજાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવેલો. તેઓએ જણાવ્યું છે કે, સ્માર્ટ વીજમીટર સાથે સાદું વીજમીટર લગાવવાની આ રજૂઆત અંગે અમારૂં કોઈ પ્લાનિંગ નથી. બીજું એ કે, સ્માર્ટ વીજમીટર સંપૂર્ણ ભરોસાપાત્ર છે, તમામ ટેસ્ટ બાદ જ ગ્રાહકોને ત્યાં લગાવવામાં આવે છે એટલે સ્માર્ટ વીજમીટર અંગે કોઈ પણ શંકા અસ્થાને છે. તંત્રની કામગીરીઓ યોગ્ય રીતે ચાલી રહી છે.