Mysamachar.in-વડોદરાઃ
વડોદરાના ટ્યુશન સંચાલક શિક્ષક દંપતી દ્વારા બીલ ગામની સગીરાનું અપહરણ કરી શીરડી લઇ જવાના મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ રીમાન્ડ દરમિયાન નરાધમ શિક્ષકે કેટલાક રોચક ખુલાસા કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં તેણે જણાવ્યું કે સગીરાને શીરડી લઇ જઇ ત્યાં તેનું શારીરીક શોષણ કર્યું હતું, એટલું જ નહીં સગીરાના 18 વર્ષ પૂર્ણ થયા બાદ તેને બીજી પત્ની તરીકે રાખવાનું પ્લાનિંગ હતું.
પ્રાપ્ત વિગત પ્રમાણે બીલ ગામની ટ્યુશન ક્લાસમાં જતી વિદ્યાર્થિનીનું ટ્યુશન ક્લાસ સંચાલક દંપંતી કશ્યપ પટેલ અને તેની પત્ની કવિતાએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ સગીરાના પરિજનોએ માંજલપુર પોલીસમાં નોંધાવી હતી, ત્યારબાદ ભારે જેહમત બાદ પોલીસે દંપતીનું પગેરું મહારાષ્ટ્રના શીરડી ખાતે મેળવ્યું હતું. અહીં આ દંપંતી સગીરા સાથે ભાડાના મકાનમાં રહેતા હતા, મોબાઈલ ટ્રેક સહિત બાતમીના આધારે વડોદરા પોલીસે દંપતી કશ્યપ પટેલ અને તેની પત્ની કવિતા પટેલને શીરડીથી ઝડપી લઇ ધરપકડ કરી હતી, અને કોર્ટમાં રજુ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન નરાધમ કશ્યપે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
રિમાન્ડ દરમિયાન કશ્યપ પટેલે સ્વીકાર્યું કે સગીરા સાથે તેના પ્રેમ સંબંધ હતા, તે પત્ની કવિતાને અંધારામાં રાખી માસુમ સગીરા સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા. એટલું જ નહીં સગીરા જ્યારે પુખ્ત વયની થશે ત્યારે તેની સાથે કાયદાકીય રીતે લગ્ન પણ કરવાનો હતો. બાદમાં સગીરાને ઉપપત્ની તરીકે રાખવાનો હતો. આમ સગીરા અપહરણ મામલે પોલીસને ચોંકાવનારી વિગતો મળતા કશ્યપ પટેલ સામે ૩૭૬ની કલમ સહિત પોસ્કોનો ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.