Mysamachar.in-રાજકોટ:
ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ કોઈને કોઈ તરકીબો અજમાવી અને દારૂ ઘુસાડનારા દારુ ઘુસાડી જ દે છે, આવો જ મોટી માત્રામાં જથ્થો કબજે કરવામાં રાજકોટ એલસીબીને સફળતા મળી છે. રાજકોટ રૂરલ એલસીબી બ્રાંચને મળેલી ચોકકસ બાતમીના સ્ટાફ શુક્રવારે સવારથી જ ખાનગી કારમાં અને ખાનગી ડ્રેસમાં જસદણ-આટકોટ બાયપાસ રોડ પર વોચમાં હતા. તે દરમિયાન દારૂ ભરેલો ટ્રક નં. GJ-08Y-9657 પસાર થતા જ એલસીબીના સ્ટાફે દોડીને પીછો કરતા ટ્રક ચાલકે ટ્રક ઉભો ન રાખતા ભાગવા લાગ્યો હતો. તે દરમિયાન આગળ જતા ટ્રકે અચાનક બ્રેક મારતા દારૂ ભરેલો ટ્રક આગળના ટ્રકની પાછળ ઘુસી ગયો હતો.
જેથી એલસીબી સ્ટાફના જવાનોએ ટ્રકની બન્ને તરફથી ટ્રકના ચાલક અને સાથેના એક વ્યકિતની ધરપકડ કરી ટ્રકની તલાશી લેતા ટ્રકની અંદરથી 700 પેટી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ-8400 કિંમત રૂ.29,23,200 અને ટ્રક કિંમત રૂ.20,00,000 તથા બે મોબાઈલ કિંમત રૂ.8000 મળી કુલ રૂ.49,31,200નો મુદ્દામાલ મળી આવ્યો હતો.રાજકોટ એલસીબીની ટીમે દારૂનો જંગી જથ્થો ભરેલો ટ્રક અને ટ્રકમાં સવાર ઓમપ્રકાશ સોનારામ ચૌધરી અને ઓમપ્રકાશ ઘમંડારામ ચૌધરી(રહેરાજસ્થાન) નામના બન્ને શખ્સોને પકડી પાડી જસદણ પોલીસ સ્ટેશને લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો હરિયાણાથી ભર્યો હોવાની કબુલાત આપી છે.