Mysamachar.in-રાજકોટ:
રાજ્યમાં ભલે દારૂબંધી હોય છતાં બુટલેગરો પોલીસથી બચવા માટે નવા-નવા નુસખા અપનાવી દારૂની હેરાફેરી કરતા હોય છે, થોડા દિવસો પહેલા જ સામે આવ્યું કે ગેસ સીલીન્ડરમાં દારુ છુપાવી અને હેરાફેરી કરવામાં આવતી હતી, આવી જ અન્ય એક હેરાફેરીનો પર્દાફાશ રાજકોટ પોલીસને હાથે થયો છે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક કારને ઝડપી પાડી છે જેમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલી કારની ડેકી માં સીએનજી કીટ રાખવામાં આવી હતી. આ કિટ અંદરથી ખાલી હતી અને જેમાં દારૂની બોટલો સંતાડવામાં આવી હતી.પ્રાથમિક દ્રષ્ટિએ કોઈપણ વ્યક્તિ કે પોલીસ ચેકિંગ કરે તો કારની ડેકીમાં રહેલી સીએનજી કે એલપીજી કીટ કાર્યરત હોય તેવુ માલુમ પડે છે.
પરંતુ જો આ કિટની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો ખબર પડે કે આ કીટ ફક્ત રાખવામાં આવી છે અને જેની અંદર દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર રાજકોટ બાયપાસ નજીક ગ્રીનલેંડ ચોકડી પાસેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કારને ઝડપી પાડવામાં આવી છે. પોલીસે કાર અને દારૂ સહિત બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કારમાં દારૂના જથ્થા સાથે બે શખસો હતા જેમાંથી સુરતના એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે તો અન્ય એક અમરેલીનો શખ્સો નાસી છૂટયો હતો. મહત્વનું છે કે પોલીસ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઇ જવાનો હતો સાથેજ અગાઉ પણ કારમાં કેટલી વાર દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવી છે. તો બીજી તરફ પોલીસે નાશી છુટેલા અમરેલીના શખ્સની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.