Mysamachar.in-રાજકોટ
હમણા હમણાં તો જાણે ગુજરાત એસીબીએ સપાટો બોલાવવાનો શરુ કર્યો હોય તેમ એક બાદ એક સરકારી બાબુઓ એસીબીને નિશાને આવી રહ્યા છે, એવામાં આજે વધુ એક સફળ રેડ કરવામાં એસીબી રાજકોટ ટીમને સફળતા મળી છે, કેસ એવો છે કે આ કેસના ફરિયાદી જામનગર- રાજકોટ ખાતે પોતાની ઈકો ગાડી પેસેન્જર ભરી ચલાવતા હોય, તેમની પાસેથી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મયુરસિંહ નિર્મલસિંહ જાડેજાએ ઈકો ગાડી પેસેન્જરમા ચલાવવી હોય તો દર મહિને રૂ. 1000/- ની લાંચ પેટે માંગણી કરેલ, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદી એ એ.સી.બી. ના ટોલ ફ્રી નં-1064 પર સંપર્ક કરી, જામનગર એ.સી.બી. પોસ્ટે ખાતે પોતાની ફરિયાદ જાહેર કરેલ,
જે ફરિયાદ આધારે આજરોજ રાજકોટ શહેર માધાપર ચોકડી ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન, મયુરસિંહ નિર્મલસિંહ જાડેજા એ રૂ.1000/- લાંચની રકમ વચેટિયા ઇંદ્રજીતસિંહ ઉર્ફે મુનાભાઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા આપવા ફરિયાદીને કહેતા, ફરિયાદી પાસેથી ઇંદ્રજીતસિંહ ઉર્ફે મુનાભાઇ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લાંચની રકમ માંગી, સ્વીકારી બન્ને આરોપીઓને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.આ કાર્યવાહી એસીબી મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પી.આઈ.એ.ડી.પરમાર અને જામનગર સ્ટાફ દ્વારા કરાઈ હતી.