Mysamachar.in-જામનગર:
જામનગર નજીક બે ભાઈના ડુંગર વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન પર શહેરના બ્રાસ ઉદ્યોગના પ્રદૂષિત કચરાને ગેરકાયદેસર રીતે બાળવાનું કૌભાંડ લાંબા સમયથી ધમધમતું હતું જે હવે બંધ કરાવવામાં આવ્યું છે અને આ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાંધીનગર કચેરીને સ્ફોટક રિપોર્ટ મોકલાયો હોવાનું જાહેર થતાં હવે ગાંધીનગરથી દંડ કરવાનો આદેશ થશે, એવું સમજાઈ રહ્યું છે.
જામનગર-કાલાવડ રોડ પર બે ભાઈના ડુંગર તરીકે ઓળખાતા એક જાણીતા પ્રવાસન સ્થળે એક તરફ સેવાભાવીઓ દ્વારા મોટાં પ્રમાણમાં વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે અને એ રીતે પર્યાવરણનું જતન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ પ્રવાસન સ્થળની તદ્દન નજીક જામનગરના બ્રાસ ઉદ્યોગના ઝેરી કચરાને બાળવાનું કૌભાંડ લાંબા સમયથી ધમધમતું હતું. જે હવે બંધ થયું !! અત્યાર સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ તથા સ્થાનિક તલાટી કમ મંત્રી સહિતના સૌ સંબંધિતો ‘મીઠી નિંદર’ માણતાં રહ્યા !! હાલ આ કુંડાળાને બંધ કરવામાં આવ્યું છે. અને, વડી કચેરી ગાંધીનગરને આ બાબતે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગરમાં આવેલી પ્રાદેશિક કચેરીએ જાહેર કર્યું છે કે, બે ભાઈના ડુંગર તરીકે ઓળખાતી જાણીતી જગ્યા પાસે, સોનમ સિમેન્ટ ઉદ્યોગ નજીક સરકારી ખરાબાની જમીન પર, બ્રાસ ઉદ્યોગના બાળેલાં કચરાને ફરીથી બાળવામાં આવતો હતો. આ ગેરકાયદેસર કામકાજ બાબુ વેજાભાઈ ટોયટા નામના શખ્સ દ્વારા થતું હતું. આ કામ, આ પ્લાન્ટ બંધ કરાવવામાં આવ્યો છે. અહીં ઉદ્યોગોનો પાંચ ટન બાળેલો કચરો પડેલો હતો. (જે તંત્ર દ્વારા કબજે લેવામાં આવેલ નથી) અને તંત્ર દ્વારા આ બાળેલાં કચરાનો નિકાલ રજિસ્ટર્ડ રિસાયકલીંગ પ્લાન્ટ મારફતે કરવો એવી સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે જ ઠેબા ગામના તલાટીને આ અંગે જાણ કરવામાં આવી છે. કારણ કે, ઠેબા ગ્રામ પંચાયત હસ્તકની સરકારી ખરાબાની જમીન પર આ ગેરકાયદેસર પ્લાન્ટ ખડકાયેલો છે. આ અંગે હવે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના અધિકારીઓએ કામગીરીઓ કરવાની રહેશે.
જામનગર GPCB ના અધિકારી જી.બી.ભટ્ટ અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે, જામનગરના બ્રાસ ઉદ્યોગમાંથી જે જોખમી, ઝેરી અને પ્રદૂષિત પાણી મોટાં જથ્થામાં નીકળે છે, તે પાણી ટેન્કરો મારફતે રાજકોટ મોકલવામાં આવે છે (જો કે, આ અંગેની કોઈ જ વિગતો હજુ સુધીમાં કયારેય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીએ જાહેર કરી નથી, એ પણ અત્રે ઉલ્લેખનિય છે) અને, બીજો મુદ્દો એ છે કે, જામનગરના બ્રાસ ઉદ્યોગ દ્વારા પોતાનું ઝેરી, જોખમી અને પ્રદૂષિત પાણી જામનગરની નદીમાં ઠાલવવામાં આવે છે એ પ્રકારની તસવીરો સાથેની રજૂઆતો અવારનવાર જાહેર થતી હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીએ આ અંગે કોઈ જ કાયદેસરની અને કડક કાર્યવાહીઓ ઉદ્યોગો વિરુદ્ધ કરી નથી, જેથી આ કચેરી અંગે પણ લોકો શંકાકુશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, બે ભાઈના ડુંગર નજીકના આ ગેરકાયદેસર પ્લાન્ટમાં જે પાંચ ટન બાળેલો કચરો સ્ટોર થયેલો છે તેમાંથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ નમૂનાઓ લીધાં છે. આ નમૂનાઓ જામનગર અને ગાંધીનગરની લેબોરેટરીઓમાં તપાસવામાં આવશે. ત્યારબાદ આગળની દંડ સહિતની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે એમ હાલ દેખાઈ રહ્યું છે.
બે ભાઈના ડુંગર નજીક જાણીતાં પર્યાવરણીય અને પ્રવાસન સ્થળની એકદમ નજીક જ પર્યાવરણના દુશ્મન એવા આ પ્લાન્ટની ગેરકાયદેસર અને ધમધમતી કામગીરીઓ બહાર આવતાં અનેક લોકોને આ બાબતે અતિશય અચરજ થયું છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અત્યાર સુધી આંખો બંધ રાખી, શા માટે મીઠી નિંદર ખેંચી રહ્યું હતું, તે પણ હવે લોકો સમજી ગયા છે. બ્રાસ ઉદ્યોગના ઝેરી, જોખમી અને પ્રદૂષિત પાણીના નિકાલનો મામલો પણ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ છે, જે પણ અત્રે નોંધનીય છે.