Mysamachar.in-જામનગર:
ટેકનોલોજી અને મોબાઇલનો વ્યાપ વધતાં સાયબર ક્રાઇમનાં નોંધાયેલા કેસો અને વણનોંધાયેલા કેસોની સંખ્યા વધવા પામી છે. જામનગર સાયબર ક્રાઇમ વિભાગ સતત આ પ્રકારના ગુનાખોરોની પાછળ પાછળ પગેરૂં દબાવી રહ્યો છે. જામનગરમાં એક વર્ષ પહેલાં પોલીસ હેડ કવાર્ટર સંકુલમાં સાયબર ક્રાઇમ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં અત્યાર સુધીમાં કુલ 17 ગુના નોંધાયા છે. અને 145 જાણવા જોગ થઇ છે, કુલ 27 આરોપીઓની ધરપકડો થઈ છે. કેટલાંક આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને કેટલાંક શકમંદ આરોપીઓનું પગેરૂં દબાવવામાં આવી રહ્યું છે.
સામાન્ય રીતે ન્યૂડ વીડિયો કોલિંગ, ઉશ્કેરણીજનક લખાણો, આર્થિક છેતરપિંડી, લોભામણી સ્કીમ અને ઇન્સ્ટન્ટ લોન જેવાં વિષયોમાં આ પ્રકારના ગુના નોંધાતા રહે છે. લોકોને જાગૃત કરવા પ્રયાસો પણ થતાં રહે છે. આમ છતાં બેંક ફ્રોડ સહિતનાં સાયબર ક્રાઇમ બનતાં રહે છે !
જામનગર સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ગત્ વર્ષે જુદાં જુદાં પ્રકારનાં સાયબર ક્રાઇમની ફરિયાદોનાં અનુસંધાને કુલ 27 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી તાજેતરમાં ઝડપાયેલો હરિયાણાનાં મેવાતનો શખ્સ હાલ રિમાન્ડ પર છે. સાયબર ક્રાઇમ વિભાગે વિવિધ રીતે છેતરપિંડીનો ભોગ બનેલા કેટલાંક લોકોને અત્યાર સુધીમાં રૂ. 61 લાખથી વધુની રકમ પરત અપાવી હોવાનું આ વિભાગ કહે છે. અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ ગુના ન્યૂડ વીડિયો કોલિંગના નોંધાયા છે. જેની સંખ્યા સોળ છે.
સાયબર ચિટરોથી લોકો બચી શકે અને કેવી રીતે સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે ? વગેરે હેતુઓ સાથે લોકજાગૃતિ માટે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 37 જેટલાં કાર્યક્રમો પણ યોજાયા છે, એમ આ વિભાગનાં પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝા જણાવે છે.